નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) અમરનાથ યાત્રાને (Amarnath Yatra) નિશાન બનાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાની માહિતી સાંપડી છે. અસલમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેમાં માહિતી આપવામાં આવી હતી કે પાકિસ્તાનમાં વધુમાં વધુ સંખ્યામાં શસ્ત્રો પહોંચાડવા માટે લાહોર અને બહાવલપુરમાં (Bahawalpur) બેઠકો પણ યોજવામાં આવી રહી છે. તેમજ આ હથિયારો અમરનાથ યાત્રામાં આતંકી હુમલો કરવા માટે ભેગા કરાઇ રહ્યા હોવાના અહેવાલો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરને લઈને લાહોરમાં આતંકવાદી સંગઠન લશ્કરની મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લશ્કરનો નંબર ટુ આતંકી આમિર અબ્દુલ રહેમાન મક્કી પણ સામેલ હતો. આ બેઠકનો મુખ્ય એજન્ડા જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 20 M4 અમેરિકન હથિયારો મોકલવાનો હતો. જેના દ્વારા અમરનાથ યાત્રાના સમગ્ર રૂટ પર અલગ-અલગ જગ્યાએ હુમલા કરવામાં પાકિસ્તાની આતંકીઓને મદદ મળી શકે.
જમ્મુ-કાશ્મીરમાં આત્મઘાતી હુમલાની તૈયારી
આ સાથે જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની બીજી બેઠક બહાવલપુરમાં થઈ હતી. આ મીટિંગ મુફ્તી અબ્દુલ રઉફે પાકિસ્તાની ISI અને આતંકવાદીઓ સાથે મળીને કરી હતી. જેમાં જૈશ-એ-મોહમ્મદના ઓવર ગ્રાઉન્ડ વર્કર અને બાતમીદારોને પૈસા મોકલીને સક્રિય કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે જ સૂત્રોના જણાવ્યા મુજબ ખીણની અંદર જ નહીં પરંતુ જમ્મુમાં પણ હથિયારો મોકલીને આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
પાકિસ્તાને સરહદ પર સૈનિકોની તૈનાતી વધારી દીધી
ભારતીય સેનાની કાર્યવાહીનો ડર હાલમાં પાકિસ્તાની સેનામાં પણ જોવા મળી રહ્યો છે. તેથી જ પાકિસ્તાને સરહદ પર પોતાના સૈનિકોની તૈનાતી વધારી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાન આર્મીની 649 મુજાહિદ બટાલિયન (બરોહ) અને 65 ફ્રન્ટિયર ફોર્સ (તંદાર) જે 4 POK બ્રિગેડ, પાકિસ્તાનની 23 પાયદળ વિભાગનો ભાગ છે. તેમજ 10 કોર્પ્સની 27 વિંગ કાલા ખટાઈનો વિસ્તાર, જે ભારતના અમૃતસર સેક્ટરની સામે છે. પાકિસ્તાનને ડર છે કે ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ ભારતીય સેના અહીં સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે.
જૈશનો આતંકી અડ્ડો બહાવલપુરમાં
પાકિસ્તાન પાસે 4 કોર્પ્સની 5 વિંગ છે જે બહાવલપુરમાં છે. આ વિસ્તાર ભારતના અનુપગઢની સામે આવે છે. જૈશના આતંકી અડ્ડાથી બહાવલપુરમાં ભય છે. પાકિસ્તાન પાસે તેની 31 કોર્પ્સની 50 વિંગ છે જે સોરહમાં છે અને તે જેસલમેરની સામે આવે છે. અહીં ડરના કારણે પાકિસ્તાને પોતાની ટેન્ક અને તોપોની સંખ્યામાં વધારો કર્યો છે. ત્યારે પાકિસ્તાની ગુપ્તચર સૂત્રોએ પાકિસ્તાની સેના અને પાકિસ્તાની 5 કોર્પ્સ અને 18 ઇન્ફન્ટ્રી ડિવિઝનના હેડક્વાર્ટરને ચેતવણી આપી છે જે હૈદરાબાદમાં છે. તેમને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.