મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતે શોકની લાગણી ફેલાવી દીધી છે. તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાયપાસ રોડ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં પૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી સહિત ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત રાલામંડલ નજીક આવેલા તેજાજી નગર બાયપાસ પર થયો હતો. એક ઝડપી ગતિએ આવી રહેલી નેક્સોન કાર પાર્ક કરેલા ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાં ત્રણ યુવતીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં પૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચનની પુત્રી પ્રેરણા બચ્ચન, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા આનંદ કાસલીવાલના પુત્ર પ્રખર કાસલીવાલ અને માનસિંધુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ચોથી યુવતી અનુષ્કા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તમામ મિત્રો પ્રખર કાસલીવાલના જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા. કારની ઝડપ વધુ હોવાના કારણે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ.
અકસ્માતની જાણ થતાં જ તેજાજી નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે MY હોસ્પિટલ મોકલી આપ્યા છે અને કેસ નોંધાવી તપાસ શરૂ કરી છે. ટ્રક ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
અકસ્માતના સમાચાર મળતા જ પૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચન, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા આનંદ કાસલીવાલ તેમજ પરિવારજનો MY હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.