ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ધુમ્મસના કારણે ઓછી દૃશ્યતાના લીધે એક વધુ જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો છે. ગઈકાલે મોડી રાત્રે ચિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના દોહત્રા ગામ નજીક મુખ્ય માર્ગ પર થયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈ કાલે 18 ડિસેમ્બર ગુરુવારે મોડી રાત્રે ફતેહપુર જિલ્લાના લાલૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના લાલૌલી ગામનો રહેવાસી સરવર (ઉંમર 25) પોતાના મિત્ર ઇશરત ખાન (ઉંમર 30) સાથે બાઇક પર બાંદાથી પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો. એ જ સમયે ચિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના દિઘવત ગામનો રહેવાસી પ્રમોદ કુમાર પણ બાઇક પર ચિલ્લા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન દોહત્રા ગામ પાસે ગાઢ ધુમ્મસના લીધે ઓછી દૃશ્યતાના કારણે બંને બાઇક સામસામે અથડાઈ ગઈ હતી.
બાઇકો અથડાતાં જ ત્રણેય યુવકો રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ડમ્પર ટ્રકે તેમને કચડી નાખ્યા. અકસ્માત એટલો ગંભીર હતો કે સરવર અને ઇશરત ખાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇક સવાર પ્રમોદ કુમારને ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ ચિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘાયલ પ્રમોદ કુમારને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતક યુવકોના મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે.
સ્થાનિક ડીએસપી રાજવીરે જણાવ્યું હતું કે ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી હોવાથી અકસ્માત સર્જાયો હતો. સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસે અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. અકસ્માતમાં સંડોવાયેલ ડમ્પર કબજે લેવામાં આવ્યો છે. જોકે તેનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.