પશ્ચિમ કેન્યાના રિફ્ટ વેલી વિસ્તારમાં ગત રોજ શનિવારે મોડી રાત્રે એક ભયાનક ભૂસ્ખલન (landslide) થયું હતું. જેના કારણે 1,000થી વધુ ઘરો નાશ પામ્યા, 21 લોકોના મોત થયા અને 30 લોકો ગુમ થયા છે. આ ઘટના એલ્ગેયો મારક્વેટ કાઉન્ટીના ચેસોંગોચ વિસ્તારમાં બની હતી. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ધરતી ધસી ગઈ અને અનેક ગામો કાટમાળમાં દટાઈ ગયા.
ભારે વરસાદ વચ્ચે રાહત કામગીરી ચાલુ
સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી. ભારે વરસાદ છતાં રાતભર બચાવ કામગીરી ચાલુ રહી હતી. અત્યાર સુધીમાં અનેક લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સરકારએ જણાવ્યું છે કે 30 ગંભીર રીતે ઘાયલ લોકોને એલ્ડોરેટ શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક રહેવાસી સ્ટીફન કિટાની એ જણાવ્યું કે “અમે એક જોરદાર અવાજ સાંભળ્યો અને તરત જ બાળકોને લઈને ઘરની બહાર દોડી ગયા હતા. થોડા પળોમાં આખું ગામ કાદવ અને પથ્થરોની નીચે દટાઈ ગયું હતું.”
સરકારની તાત્કાલિક કાર્યવાહી
કેન્યાના ગૃહ મંત્રી કિપચુમ્બા મુરકોમેને જણાવ્યું કે સરકાર બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડાઈ છે અને અસરગ્રસ્ત લોકોને રહેવા માટે વૈકલ્પિક વિસ્તારો ઓળખી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું કે બચાવ દળો ગુમ થયેલા 30 લોકોની શોધમાં છે અને મદદ માટે વધારાની ટીમો મોકલવામાં આવી છે.
વિસ્તાર ભૂસ્ખલન માટે સંવેદનશીલ
ચેસોંગોચનો પર્વતીય વિસ્તાર પહેલાથી જ ભૂસ્ખલન માટે ઓળખાય છે. વર્ષ 2010 અને 2012માં પણ અહીં સમાન પ્રકારની દુર્ઘટનાઓમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. વર્ષ 2020માં ભારે પૂરમાં આ વિસ્તારનું એક શોપિંગ સેન્ટર પણ તણાઈ ગયું હતું.
અધિકારીઓએ નાગરિકોને ચેતવણી આપી છે કે વરસાદ ચાલુ હોવાથી વિસ્તાર હજુ પણ જોખમ હેઠળ છે. બચાવ ટીમો હાલમાં કાટમાળ દૂર કરી ફસાયેલા લોકોની શોધ અને મદદ પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.
આ ઘટનાથી સમગ્ર કેન્યા દુઃખમાં ડૂબી ગયું છે અને સરકારએ મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે.