National

હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લોમાં સોમવારે એક ભયાનક ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) થયું, જેના કારણે આખો વિસ્તાર હચમચી ગયો. આ ઘટના ચુરાહ સબડિવિઝનના બાઘેઈગઢ-ચાંગજુ રોડ પર ચુરસિયો નજીક બની હતી. અચાનક ટેકરી તૂટી પડતાં થોડા જ સેકન્ડોમાં મોટું નુકસાન થઈ શકે તેમ હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ભૂસ્ખલન પહેલાં ટેકરી પરથી નાના પથ્થરો પડવા લાગ્યા હતા. આથી સ્થાનિક લોકોને ખતરો સમજાઈ ગયો અને તેમણે તરત જ સતર્કતા દાખવી. સમયસર ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ વાહન તે સમયે રસ્તા પર નહોતું. જો આ નિર્ણય મોડો લેવાયો હોત, તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.

આ ઘટના નો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શરૂઆતમાં નાના પથ્થરો ખસતા દેખાય છે. થોડા જ પળોમાં ટેકરીનો મોટો ભાગ તૂટી પડે છે અને ભારે કાટમાળ રસ્તા પર ફેલાઈ જાય છે. આખો માર્ગ પથ્થરો અને માટીથી ઢંકાઈ ગયો હતો, જેના કારણે બાઘેઈગઢ-ચાંગજુ રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ભૂસ્ખલન બાદ રસ્તા પર ભારે કાટમાળ જમા થઈ ગયું છે. જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે. આ માર્ગ પર હાલ કોઈ પણ વાહન પસાર થઈ શકતું નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

જાહેર બાંધકામ વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને રસ્તો ફરી શરૂ કરવા માટે કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મશીનોની મદદથી પથ્થરો અને માટી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કામમાં સમય લાગી શકે છે. વહીવટી તંત્રે લોકોને અપીલ કરી છે કે હાલ માટે બાઘેઈગઢ-ચાંગજુ રોડનો ઉપયોગ ન કરે અને શક્ય હોય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે. સાથે જ લોકોને સલામત અંતર જાળવવા અને જોખમવાળા વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં પહાડી વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય છે, ખાસ કરીને વરસાદ અથવા ભૌગોલિક કારણોસર ટેકરીઓ ખસવાની શક્યતા રહે છે. તેથી આવા વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે સમયસર લેવામાં આવેલો નિર્ણય કેટલો મહત્વનો હોઈ શકે છે. સ્થાનિક લોકોની સતર્કતાના કારણે આજે મોટી જાનહાનિ ટળી ગઈ છે.

Most Popular

To Top