સુરતના સચિન નવસારી રોડ વિસ્તારમાં આવેલા ઉન સ્થિત માધવ પાર્ક પાસે વેસ્ટેજ કચરામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.આગ એટલી પ્રચંડ હતી કે કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા હતા,જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ચિંતાજનક બાબત એ છે કે જ્યાં આગ લાગી તે સ્થળ નજીક જ કેમિકલના ગોડાઉન આવેલા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.જો આ આગ કેમિકલ ગોડાઉન સુધી પ્રસરી હોત તો સ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકતી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.સદભાગ્યે આગ સમયસર કાબૂમાં આવી જતા મોટો અનર્થ ટળ્યો હતો.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં મોટા ભાગે જાહેર માં વેસ્ટેજ સળગાવવામાં આવતું હોય છે,જેના કારણે ઘણીવાર વાતાવરણને પણ વ્યાપક નુકસાન પહોંચે છે.,આ સાથે જ ધુમાડાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે,અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં નહી આવતું જેના કારણે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવી બેદરકારી સામે તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે?
મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે ઘટનાની જાણ ફાયર વિભાગને સમયસર કરવામાં આવી ન હતી અને સ્થાનિક લોકો દ્વારા જ આગ પર પ્રાથમિક કાબૂ મેળવવામાં આવ્યો હતો.આગ કોના દ્વારા લગાડવામાં આવી અને વેસ્ટેજ કોણે અને શું હેતુ સર સળગાવ્યું તે તપાસનો વિષય બન્યો છે.હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.