એક જ પરિવારના 7 લોકો જીવતા સળગી ગયા, 3 ગંભીર રીતે ઘાયલ
મધ્ય પ્રદેશના ઇંદોર શહેરના બૃજેશ્વરી એનેક્સી વિસ્તારમાંથી દિલ દહોળી નાખે તેવી ઘટના સામે આવી છે. એક રહેણાંક મકાનમાં લાગી ગયેલી ભીષણ આગે એક જ પરિવારને તબાહ કરી નાખ્યો છે. આ દુર્ઘટનામાં 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ હાલતમાં સારવાર હેઠળ છે.
માહિતી મુજબ આ ભયાનક આગ સવારે લગભગ 5:30 વાગ્યે લાગી હતી. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક કાર (EV) ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘરમાં રહેલા લોકોને બહાર નીકળવાનો સમય જ મળ્યો નહોતો.
ઘરના મોટા ભાગના સભ્યો ઉપરના માળે સૂતા હતા, જેના કારણે તેઓ નીચે આવી શક્યા નહોતાં અને અંદર જ ફસાઈ ગયા. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરો આગની ચપેટમાં આવી ગયા અને એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા. પ્રાથમિક માહિતી મુજબ ઓછામાં ઓછા 4 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા હતા , જેના કારણે આગ વધુ વિકરાળ બની ગઈ.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ભારે જહેમત બાદ 3 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ ગંભીર છે. જાણકારી મુજબ ઘટનાના સમયે ઘરમાં એક પારિવારિક કાર્યક્રમ ચાલતો હતો, જેના કારણે કેટલાક સગા-સંબંધીઓ પણ હાજર હતા.
આગામી તપાસમાં બહાર આવ્યું છે કે મકાનમાં આશરે 15 જેટલા ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જો તમામ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હોત, તો નુકસાન વધુ ભયાનક બની શકતું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે EV ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટને આગનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.