વેલેરો રિફાઇનરીમાં આગનો તાંડવ, કાળા ધુમાડાથી આકાશ ઢંકાયું
અમેરિકાના Texas રાજ્યમાં આવેલી એક મોટી તેલ રિફાઇનરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. Valero Energy દ્વારા સંચાલિત રિફાઇનરીમાં થયેલા આ બ્લાસ્ટ બાદ ભારે આગ ભભૂકી ઉઠી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટાળા જોવા મળ્યા.
આ ઘટના Port Arthur ખાતે 23 માર્ચની સાંજે લગભગ 7:22 વાગ્યે બની હતી. સ્થાનિક લોકોએ જોરદાર ધડાકો સાંભળ્યો હતો, જેના કારણે આસપાસના ઘરો હચમચી ઉઠ્યા હતા. ઘટનાના વિડિઓઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભયાનક આગ અને ધુમાડા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. સ્થાનિક પ્રશાસને તરત જ “શેલ્ટર-ઇન-પ્લેસ” આદેશ જાહેર કર્યો છે, જેના હેઠળ રહેવાસીઓને ઘરમાં જ રહેવા અને બારીઓ-દરવાજા બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. હાલ સુધી કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી અને ખાલી કરાવવાની જરૂરિયાત પણ જણાઈ નથી.
ફાયર બ્રિગેડ અને હેઝમેટ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી ચાલી રહી છે. Antonio Mitchellએ જણાવ્યું કે ટીમો સ્થળ પર પહોંચી રહી છે અને હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસ થઈ રહ્યા છે. સત્તાવાળાઓએ હવામાં ઝેરી પદાર્થો ફેલાયા છે કે નહીં તે જાણવા માટે એર ક્વોલિટી મોનીટરીંગ શરૂ કર્યું છે.
સલામતીના પગલાં રૂપે Texas Department of Transportationએ નજીકના SH 87 અને SH 82 માર્ગો ટાળવા માટે સૂચના આપી છે. આ રિફાઇનરી ટેક્સાસના ગલ્ફ કિનારે આવેલું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ કેન્દ્ર છે, જ્યાં લગભગ 770 કર્મચારીઓ કામ કરે છે અને દરરોજ લાખો બેરલ ઈંધણનું ઉત્પાદન થાય છે. લાંબા સમય સુધી કામગીરી બંધ રહે તો ઈંધણ સપ્લાય પર અસર પડી શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ વિસ્ફોટનું કારણ હીટિંગ યુનિટમાં ખામી હોઈ શકે છે, પરંતુ સત્તાવાર રીતે કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.