
શુક્રવારે વહેલી સવારે રશિયાના કામચાટકા દ્વીપકલ્પના પૂર્વી કિનારે 7.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે દરિયાકાંઠે 30થી 62 સેન્ટિમીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને તમામ કટોકટી સેવાઓને હાઇ એલર્ટ પર મુકવામાં આવી હતી.
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેરથી આશરે 128 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. પ્રારંભિક અહેવાલ મુજબ તીવ્રતા 7.8 જણાઈ હતી પરંતુ રશિયાની સ્ટેટ જીઓફિઝિકલ સર્વિસે તેને પછી 7.4 તરીકે નોંધાવી હતી.
ભૂકંપ બાદ પાંચ આફ્ટરશોક નોંધાયા હતા. જેમાં સૌથી મોટો 5.8 તીવ્રતાનો હતો. સોશિયલ મીડિયા પર શેર થયેલા વિડિયોમાં ઘરોમાં ફર્નિચર હચમચતા, લાઇટ ફિક્સચર્સ ઝૂલેતા અને રસ્તાઓ પર પાર્ક કરેલી કારો ધ્રુજતા જોવા મળ્યા હતા. આ ઝટકાઓના કારણે લોકોને ભયનો માહોલ સર્જાયો પરંતુ હજી સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા અંગેના અહેવાલ સામે આવ્યા નથી.
કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે ટેલિગ્રામ મારફતે જણાવ્યું હતું કે “આજે સવાર ફરી એકવાર કામચાટકાના લોકોની ધીરજની કસોટી કરી રહી છે. હાલ કોઈ જાનહાનિ નથી અને જનતાને શાંત રહેવાની અપીલ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે પૂર્વી કિનારા અને કુરિલ ટાપુઓ માટે સુનામીની ચેતવણી યથાવત છે અને સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે.
ભૂકંપ પછી તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. સામાજિક સંસ્થાઓ તથા રહેણાંક ઇમારતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કેટલાક દરિયાકાંઠા વિસ્તારોમાં લોકોને સલામતી માટે ઊંચી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે અને યુએસ નેશનલ વેધર સર્વિસે અલાસ્કાના કેટલાક ભાગો માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે થોડા કલાકોમાં પરિસ્થિતિ સ્થિર થતાં આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.
કામચાટકા દ્વીપકલ્પ વિશ્વના સૌથી સક્રિય ભૂકંપીય પ્રદેશોમાંનો એક છે. છેલ્લા ત્રણ મહિનામાં અહીં 7.0 કે તેથી વધુ તીવ્રતાના ચાર મોટા ભૂકંપ આવી ચૂક્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પ્રદેશ પેસિફિક રિંગ ઓફ ફાયરના અતિસક્રિય ઝોનમાં આવેલો છે. જ્યાં ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ વારંવાર જોવા મળે છે.
હાલ માટે રાહત એ છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્રે લોકોમાં સાવચેત રહેવાની અને સત્તાવાળાઓના માર્ગદર્શનનું પાલન કરવાની અપીલ કરી છે.