World

બાંગ્લાદેશમાં ભયાનક બસ દુર્ઘટના

પદ્મા નદીમાં બસ પડતા 23નાં મોત, અનેક લાપતા

પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રાજબાડી જિલ્લાના દૌલતદિયા ફેરી ટર્મિનલ નજીક એક મુસાફરો ભરેલી બસ અચાનક બેકાબૂ બની પદ્મા નદીમાં પડી ગઈ. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધી 23 લોકોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અનેક મુસાફરો હજી લાપતા હોવાનું જાણવા મળ્યું છે.


માહિતી મુજબ, આ ઘટના બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે ટર્મિનલ નંબર 3 સામે બની હતી. બસ રાજબાડીથી ઢાકા જઈ રહી હતી અને તે સમયે ફેરી પર સવાર હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રસ્તામાં અલગ-અલગ સ્થળેથી મુસાફરોને બેસાડ્યા બાદ બસમાં અંદાજે 50 જેટલા લોકો સવાર હતા. અચાનક બસ ફેરી પરથી સ્લિપ થઈને વહેતી પદ્મા નદીમાં ખાબકી ગઈ.

પોલીસ ઇન્સ્પેક્ટર રસેલ મુલ્લાએ જણાવ્યું કે નૌસેના, પોલીસ, ફાયર બ્રિગેડ અને ગોતાખોરોની ટીમો સંયુક્ત રીતે બચાવ કામગીરીમાં લાગી છે. રાત્રિના અંધકારને કારણે મોડી રાત્રે ઓપરેશન થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. તેમણે જણાવ્યું કે “હાલ સુધી 23 મૃતદેહો મળી આવ્યા છે. કેટલાક મુસાફરો તરતા બહાર આવી ગયા છે, પરંતુ ઘણા હજી લાપતા છે. જો કે સવાર થતાની સાથે જ ફરીથી બચાવ કામગીરી તેજ કરવામાં આવી .”

6 કલાક બાદ બસ બહાર કાઢાઈ : મીડિયા રિપોર્ટ અનુસાર, બચાવ જહાજ ‘હમજા’ની મદદથી ભારે મહેનત બાદ અકસ્માતના લગભગ 6 કલાક પછી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી. રાત્રે લગભગ 11:30 વાગ્યે ક્રેન દ્વારા બસને ઉપર ખેંચવામાં આવી હતી. બસ બહાર આવતા જ સ્થળ પર હાજર પરિવારજનોના રડતા અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.

આંખો સામે પરિવાર ગુમાવ્યો : અકસ્માતમાંથી બચી ગયેલા અબ્દુલ અઝીઝુલે જણાવ્યું કે તેઓ તરણ કરીને કિનારે પહોંચ્યા, પરંતુ તેમની પત્ની અને બાળક તેમની આંખો સામે જ પાણીમાં વહેતા રહ્યા. ઘટના સ્થળે ઘણા પરિવારજનો પોતાના સગાઓ માટે પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ સમય પસાર થતાં આશા ઓછી થતી ગઈ. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બચાવ ટીમો હજુ પણ લાપતા લોકોની શોધમાં લાગી છે.

Most Popular

To Top