National

તેલંગાણામાં ભયાનક અકસ્માત: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 20 લોકોના મોત

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આજ રોજ તા.3 નવેમ્બરની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જેમાં બસ અને ટિપર ટ્રક વચ્ચે સીધી ટક્કર થતાં 20 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો જોરદાર હતો કે અનેક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ આ અકસ્માત રંગારેડ્ડી જિલ્લાના મિર્ઝાગુડા નજીક સવારે લગભગ 5 વાગ્યે થયો હતો. તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TGSRTC)ની બસ સામાન્ય મુસાફરોને લઈને જઈ રહી હતી ત્યારે ખોટી દિશામાંથી આવી રહેલી કાંકરીથી ભરેલી ટિપર ટ્રક બસ સાથે ભયાનક રીતે અથડાઈ ગઈ.

ટક્કર એટલી ભારે હતી કે બસના આગળના ભાગના ટુકડા ઉડી ગયા અને બસની અંદર કાંકરી ઘૂસી ગઈ હતી. અકસ્માત પછી સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમોની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
ઘાયલ મુસાફરોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માતનું કારણ પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવર દ્વારા ખોટી દિશામાં ડ્રાઇવિંગ હોવાનું જણાવ્યું છે.

સરકારી પ્રતિસાદ અને સૂચનાઓ

તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે આ દુર્ઘટનાની સામે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે RTCના MD નાગી રેડ્ડી અને રંગારેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે.

મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરી (CS) અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને ઘટના સ્થળ પર સતત દેખરેખ રાખવાનો અને તમામ જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ અકસ્માતે આખા રાજ્યમાં દુઃખની લાગણી ફેલાવી છે. પોલીસ દ્વારા અકસ્માતનું કારણ શોધવા માટે તપાસ શરૂ થઈ ગઈ છે. સરકાર તરફથી મૃતકોના પરિવારોને સહાય અને ઘાયલોના સારવાર ખર્ચની સંપૂર્ણ જવાબદારી લેવાની ખાતરી આપવામાં આવી છે.

Most Popular

To Top