અમેરિકાના New York ખાતે આવેલા એક એરપોર્ટ પર ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં Air Canadaનું એક વિમાન રનવે પર ફાયર ફાઇટર ટ્રક સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે વિમાન અને ટ્રક બંનેને ભારે નુકસાન થયું છે અને અનેક મુસાફરો તેમ જ સ્ટાફ સભ્યો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્મત બાદ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષાના કારણોસર એરપોર્ટના ઓપરેશન્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત જ નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિમાન અને ફાયર ટ્રક વચ્ચેની ભીષણ ટક્કર સ્પષ્ટ રીતે જોવા મળે છે. પ્રાથમિક તપાસ અનુસાર, આ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાના કારણોની શોધખોળ કરી રહી છે. હાલ માટે એરપોર્ટ પરની તમામ ઉડાનો પર અસર પડી છે અને સ્થિતિ સામાન્ય બનતા સુધી કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે, જ્યારે મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.