ભરૂચ: જંબુસરના દેવલા ગામે રહેતી ૧૭ વર્ષની સગીરા ધાબા (Terrace) પર ઘરનું કામ કરી રહી હતી. એ વેળા ધાબા પરથી પસાર થતા હાઈ ટેન્શન વીજળીના તારને (Electric wires) આકસ્મિક રીતે અડતાં સગીરાને ગંભીર કરંટ લાગ્યો હતો. આથી તે ગંભીર રીતે દાઝી જતાં પરિવારજનો તાબડતોબ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Hospital) લઈ ગયા હતા. કમનસીબે ભોગ બનેલી સગીરાને ગંભીર રીતે ઇજા પહોંચતાં એક હાથ અને એક પગ ગુમાવવો પડ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા.
દેવલાથી નાડા જવાના રસ્તા પાસે રહેતા જગદીશ અશોક રાઠોડ ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. મહિના પહેલાં ગામમાં રહેતા નઇમ સુલેમાનના ઘરે જગદીશભાઈના પત્ની રંજલ ઘરકામ કરવા ગઈ હતી. તેની સાથે તેની સગીરા દીકરી પણ ગઈ હતી. એ વખતે ઘરના ધાબા પાસેથી પસાર થતા હાઇ ટેન્શન વીજ વાયરથી સગીરાને જોરદાર કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. આથી સારવાર વખતે આખરે સગીરાએ એક હાથ અને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૪થી ૫ મહિના અગાઉ પણ ગામના ઇમરાન કાકાએ DGVCLને નમી પડેલા વીજપોલને લઈને વારંવાર રજૂઆત કરી હતી. છતાં પણ કોઈ કાર્યવાહી થઇ ન હતી અને આખરે આ સગીરાને એક હાથ-પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ પ્રકારની નિષ્કાળજીને લઈને અધિકારી સામે કાર્યવાહી કરી ભોગ બનનાર પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવાની માંગણી કરી છે.
વેસ્મા ગામ પાસે ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા સાસુનું મોત, વહુને ઈજા
નવસારી : નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર વેસ્મા ગામ પાસે આઈસર ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા સાસુનું મોત નીપજ્યું હતું. જ્યારે વહુને ઈજાઓ થઇ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, મૂળ ચીખલીના બોડવાંક ગામે દાદરા ફળીયામાં અને હાલ સુરત પર્વતગામ દેવધ રોડ સ્કાયવ્યુ હાઇટ્સની સામે શ્રી સદાશિવ ગુરૂકૃપા સોસાયટીમાં પલ્લવીબેન જીતેન્દ્રભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહેતા હતા.
ગત ૨૩મીએ પલ્લવીબેન તેમની મોપેડ (નં. જીજે-૦૫-એનઆર-૪૩૭૮) લઈને સુરતથી સાસુ ભાનુબેન સાથે ચીખલી તાલુકાના ચિતાલી ગામે રહેતા મામાજી સંદિપભાઈ જગુભાઈ પટેલના ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર વેસ્મા ગામ પાસે દાંડી ગરનાળા લીબર્ટી હોટલ સામેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા આઈસર ટેમ્પો (નં. જીજે-૧૬-ડબ્લ્યુ-૩૪૫૨) ના ચાલક ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ રહેતા મોહમદ ફારૂક હબીબુલ્લાહ ખાને પલ્લવીબેનની મોપેડને ટક્કર મારતા પલ્લવીબેન અને સાસુ ભાનુબેન રસ્તા પર પટકાયા હતા. જેના કારણે ભાનુબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પલ્લવીબેનને શરીરે ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે પલ્લવીબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ટેમ્પા ચાલક મોહમદ ફારૂક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.