World

ખામેનેઈના નિધન બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ, અનેક ખાડી દેશો પર મિસાઈલ હુમલાનો દાવો

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન પછી મધ્ય પૂર્વની પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. પોતાના નેતાના મોતનો બદલો લેવા ઈરાને યુનાઈટેડ અરબ અમીરાત અને કતાર સહિત ખાડી વિસ્તારના કુલ 9 દેશોને મિસાઈલ અને ડ્રોન હુમલાઓથી નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને દુબઈ અને દોહામાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર મુકાઈ ગઈ છે. સાથે જ મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકી અને ઈઝરાયેલના સૈન્ય મથકો પર બેલેસ્ટિક મિસાઈલ અને સશસ્ત્ર ડ્રોન વડે હુમલાની વાત પણ સામે આવી છે. આ તમામ ઘટનાઓને કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે અને આંતરરાષ્ટ્રીય રાજનૈતિક ચર્ચાઓ તેજ બની છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ના પાંચમા તબક્કા હેઠળ જેબેલ અલી એન્કરેજ નજીક અમેરિકી જહાજો માટે દારૂગોળો લઈ જતાં એક જહાજ પર 4 ડ્રોનથી નિશાનાબંધ હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજને સંપૂર્ણ નુકસાન થયું હોવાનું જણાવાયું છે. વધુમાં, કુવૈતના અબ્દુલ્લા મુબારક વિસ્તારમાં આવેલી અમેરિકી નૌસેનાની બેઝ પર 4 બેલેસ્ટિક મિસાઈલ અને 12 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો થયો છે. આ હુમલાથી બેઝના માળખાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની તેમ જ અમેરિકી સૈનિકોના જાનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, ઓમાનના ઉત્તર ભાગમાં ખસાબ પોર્ટ નજીક એક ઓઈલ ટેન્કરને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં એક ભારતીય અને એક ઈરાની ક્રૂ સભ્ય ઈજાગ્રસ્ત થયા છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા તહેરાન પર કરાયેલી સંયુક્ત કાર્યવાહી બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે મુસંદમ ટાપુ નજીક હોર્મુજની ખાડીમાંથી પસાર થઈ રહેલા એક ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા પછી ‘સ્કાઈલાઈટ’ નામના ટેન્કર પર સવાર તમામ 20 ક્રૂ સભ્યોને ઓમાનની મેરિટાઈમ સિક્યોરિટીએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવાયેલા ક્રૂમાં 15 ભારતીય અને 5 ઈરાની નાગરિકોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત 4 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન રોયલ નેવી ઓફ ઓમાન અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયું હતું. તમામ ક્રૂને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. અહેવાલો મુજબ ઓમાનના મહત્વપૂર્ણ દુક્મ પોર્ટ નજીક આ હુમલો થયો હતો. લશ્કરી તણાવ વચ્ચે ઓમાનની નજીક જહાજને નિશાન બનાવવાની આ પહેલી ઘટના હોવાનું માનવામાં આવે છે. હાલ સુધી હુમલાખોર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, જોકે અમેરિકા-ઈઝરાયલની કાર્યવાહી બાદ ખાડી વિસ્તારમાં પસાર થતા જહાજોને ધમકીભર્યા સંદેશા મળ્યા હોવાની માહિતી સામે આવી છે.

ઈરાનમાં ઊભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા ભારતીય નાવિકો અને મેરીટાઇમ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ હિતધારકો માટે સત્તાવાર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જારી કરાયેલા નિર્દેશ મુજબ ભારતીય નાવિકોને વિશેષ સાવચેતી રાખવા અને તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા જણાવાયું છે. સત્તાવાર સૂચનામાં નાવિકોને વિદેશ મંત્રાલય તેમ જ ભારતીય દૂતાવાસ તેહરાન દ્વારા સમયાંતરે જાહેર થતી એડવાઇઝરી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. સંબંધિત વિસ્તારમાં કામગીરી કરતી વખતે અત્યંત સતર્કતા જાળવવા અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા સૂચવાયું છે. સાથે જ શિપિંગ કંપનીઓ અને અન્ય હિતધારકોને તેમના જહાજોમાં કાર્યરત ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષા, હાલત અને ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવા અને કોઈપણ મહત્વપૂર્ણ માહિતી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સાથે તાત્કાલિક શેર કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, જેથી વિદેશી જળક્ષેત્રોમાં કામગીરી દરમિયાન કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં સમયસર પગલાં લઈ શકાય. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસ ઓમાન દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. નાગરિકોને સતર્ક રહેવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને ઈમરજન્સી નંબર પર સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ કતાર, તેલ અવીવ અને પેલેસ્ટાઈન સ્થિત ભારતીય પ્રતિનિધિઓને પણ જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે

Most Popular

To Top