Sports

જાપાન ગ્રાં પ્રીમાં તણાવ

મેક્સ વર્સ્ટાપેનએ પત્રકારને મીડિયા સેશનમાંથી બહાર જવા કહ્યું

ફોર્મ્યુલા 1 વિશ્વમાં ચર્ચા જગાવતો બનાવ સામે આવ્યો છે, જ્યાં Red Bullના સ્ટાર ડ્રાઇવર Max Verstappenએ જાપાન ગ્રાં પ્રી પહેલા મીડિયા સેશન દરમિયાન એક પત્રકારને બહાર જવા કહ્યું. આ ઘટના સુઝુકા સર્કિટ પર યોજાયેલા પ્રી-રેસ મીડિયા બ્રિફિંગ દરમિયાન બની હતી.

રિપોર્ટ મુજબ, વર્સ્ટાપેનએ મીડિયા સેશન શરૂ કરતા પહેલા જ સ્પષ્ટ કહી દીધું કે તે પત્રકાર હાજર રહેશે તો તેઓ વાત નહીં કરે. તેમણે સીધા જ કહ્યું, “હું બોલીશ નહીં જ્યાં સુધી તે અહીંથી નથી જતો.” ત્યારબાદ તેમણે પત્રકારને “ગેટ આઉટ” કહેતાં બહાર જવા કહ્યું. આ સમગ્ર વિવાદ પાછળનું કારણ ગયા વર્ષની ઘટના સાથે જોડાયેલું છે. માહિતી અનુસાર, તે પત્રકારએ 2025ના અબુધાબી ગ્રાં પ્રી પછી વર્સ્ટાપેનને એક વિવાદાસ્પદ પ્રશ્ન પૂછ્યો હતો.પ્રશ્નમાં સ્પેનિશ ગ્રાં પ્રીમાં થયેલી ટક્કર હતી, તેના માટે મળેલી 10 સેકન્ડની પેનલ્ટી અંગે ચર્ચા હતી, જેના કારણે વર્સ્ટાપેનને મહત્વના પોઇન્ટ્સ ગુમાવવા પડ્યા હતા.

આ ઘટનાના કારણે વર્સ્ટાપેન અને પત્રકાર વચ્ચે તણાવ ઉભો થયો હતો, જે હજુ સુધી યથાવત રહ્યો છે. જાપાન ગ્રાં પ્રીના મીડિયા સેશનમાં પણ આ જૂનો વિવાદ ફરી સામે આવ્યો અને આખરે પત્રકારને રૂમ છોડવો પડ્યો. પત્રકાર બહાર ગયા બાદ વર્સ્ટાપેન શાંત થયા અને ત્યારબાદ મીડિયા સેશન ચાલુ રાખ્યું. ઘટનાએ ફોર્મ્યુલા 1 જગતમાં ચર્ચા જગાવી છે, જ્યાં કેટલાક લોકો વર્સ્ટાપેનના વર્તનને અયોગ્ય ગણાવી રહ્યા છે, તો કેટલાક તેના ભાવનાત્મક પ્રતિભાવને સમર્થન આપી રહ્યા છે.

વિશેષજ્ઞોના મતે, ખેલાડીઓ અને મીડિયાના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આવી ઘટનાઓથી બંને વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે. ફોર્મ્યુલા 1 જેવી આંતરરાષ્ટ્રીય રમતગમતમાં પારદર્શિતા અને સંવાદ જાળવવો અત્યંત જરૂરી માનવામાં આવે છે. આ સમગ્ર ઘટના ફરી એકવાર દર્શાવે છે કે મેદાન બહાર પણ ખેલાડીઓના વર્તન પર એટલું જ ધ્યાન આપવામાં આવે છે જેટલું તેમના પ્રદર્શન પર.

Most Popular

To Top