મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. Israel દ્વારા લેબનનમાં કરવામાં આવેલા તાજા હવાઈ અને ડ્રોન હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ પૂર્વ અને દક્ષિણ લેબનનના વિસ્તારોમાં થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હુમલાઓને કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
લેબનનની સત્તાવાર સમાચાર એજન્સી મુજબ પૂર્વ લેબનનની બેકા ખીણ વિસ્તારમાં આવેલા રિયાક શહેરમાં રહેણાંક મકાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ હુમલામાં 6 લોકોના મોત અને 25થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી હતી, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધીને 10થી વધુ થયો હોવાનું જણાવાયું. બચાવ ટીમો દ્વારા કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ હજુ ચાલુ છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ અંગે ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે આ હુમલાઓમાં Hezbollahના કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ સંગઠન સાથે જોડાયેલા સૂત્રોનો દાવો છે કે હુમલામાં તેમના એક મહત્વના સૈનિક નેતાનું પણ મોત થયું છે. આ ઘટનાએ વિસ્તારમાં રાજકીય અને સૈનિક તણાવ વધુ વધાર્યો છે.
તે પહેલાં દક્ષિણ લેબનનના સૌથી મોટા પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ Ein el-Hilwehમાં પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. આ કેમ્પ દક્ષિણ શહેર સિદોનની બહાર આવેલો છે. સ્થાનિક સૂત્રો મુજબ હુમલામાં એક ઈમારતને ભારે નુકસાન થયું હતું, જ્યાં પહેલા કેમ્પની સુરક્ષા માટેની સંયુક્ત પેલેસ્ટિનિયન ફોર્સ કાર્યરત હતી અને હાલમાં ત્યાં ખાદ્ય સહાય માટે રસોડું ચલાવવામાં આવતું હતું.ઇઝરાયલના સૈન્યે દાવો કર્યો કે આ સ્થળ પર Hamasનું કમાન્ડ સેન્ટર કાર્યરત હતું અને સીઝફાયરનો ભંગ થતાં કાર્યવાહી કરવામાં આવી. જોકે હમાસે આ દાવાઓને નકારી કાઢતાં કહ્યું કે હુમલામાં સામાન્ય નાગરિકો નિશાન બન્યા છે.
નવેમ્બર 2024માં થયેલા સીઝફાયર કરાર છતાં લેબનન અને ઇઝરાયલ વચ્ચે અથડામણો ચાલુ રહી છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ સીઝફાયર પછીના એક વર્ષ દરમિયાન ઇઝરાયલ દ્વારા હજારો હુમલાઓ નોંધાયા છે, જેમાં અનેક નાગરિકો પણ મોતને ભેટ્યા છે.લેબનને આ સતત હુમલાઓ અંગે United Nations Security Council સમક્ષ ફરિયાદ નોંધાવી છે અને ઇઝરાયલને હુમલા બંધ કરવા તથા લેબનનની જમીનમાંથી પાછું ખેંચાવા માટે દબાણ કરવાની માંગ કરી છે. હાલ આ ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ફરી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધતી જોવા મળી રહી છે.