નવી દિલ્હી: બદ્રીનાથ-કેદારનાથ (Kedarnath) મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે આજે કેદારનાથ મંદિરમાં સોનાના (Gold) ગોટાળાના દાવા પર જ્યોતિર્મથ શંકરાચાર્ય પર વળતો પ્રહાર કર્યો હતો. જેના જવાબમાં અજયે કહ્યું હતુ કે કેદારનાથ ધામમાં સોનું ગાયબ થવા અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આ સાથે જ તેમણે શંકરાચાર્યને આ મામલે તથ્યો અને પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો છે.
શંકરાચાર્યને પડકાર ફેંકતાઅજયે કહ્યું હતું કે, ‘હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સન્માન કરું છું, પરંતુ તેઓ આખો દિવસ પ્રેસ કોન્ફરન્સ કરતા રહે છે… વિવાદ ઉભો કરવો, સનસનાટી મચાવવી અને સમાચારમાં રહેવું એ સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આદત બની ગઈ છે. કેદારનાથ ધામમાં સોનું ગાયબ થવા પર તેમનું નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને તથ્યો અને પુરાવાઓ સામે લાવવા વિનંતી અને પડકાર આપું છું.
અજયે કહ્યું….
આ સાથે જ અજયે એવું પણ સૂચન કર્યું હતું કે નિવેદનો કરવાને બદલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સક્ષમ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. અજયે કહ્યું, ‘તેઓએ અધિકારીઓ પાસે જવું જોઈએ, પુરાવા રજૂ કરવા જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેઓને સક્ષમ અધિકારી પર વિશ્વાસ ન હોય, તો તેઓએ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જવું જોઈએ, પીઆઈએલ દાખલ કરવી જોઈએ અને જો તેમની પાસે ખરેખર પુરાવા હોય તો તપાસની માંગણી કરવી જોઈએ.
મંદિર સમિતિના અધ્યક્ષનો કોંગ્રેસ સરકાર પર શાબ્દીક પ્રહાર
અજયે વધુમાં કહ્યું કે, ‘તેમને કેદારનાથ ધામની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કે કેદારધામ પર વિવાદ ઊભો કરવાનો કોઈ અધિકાર નથી. જો તેઓ માત્ર વિરોધ કરવા, વિવાદ ઉભો કરવા અને કોંગ્રેસના એજન્ડાને આગળ વધારવા માટે આવું કરી રહ્યા હોય તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
કેદારનાથમાં સોનાનું કૌભાંડ? સ્વામી અવિમુક્તેશ્વરાનંદે શું દાવો કર્યો?
અગાઉ સોમવાર 15 જુલાઈના રોજ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો હતો કે કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થઈ ગયું હતું. તેમજ દિલ્હીમાં બની રહેલા કેદારનાથ મંદિર પર તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રતિકાત્મક કેદારનાથનું નિર્માણ ન થઈ શકે. શિવપુરાણમાં 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ તેમના નામ અને સ્થાનો સાથે કરવામાં આવ્યો છે. જ્યારે કેદારનાથ હિમાલયમાં આવેલું છે તો તે દિલ્હીમાં કેવી રીતે હોઈ શકે? તેની પાછળ રાજકીય કારણો છે. રાજકીય લોકો આપણા ધાર્મિક સ્થળોમાં ઘૂસી રહ્યા છે.
કેદારનાથમાં સોનાના કૌભાંડ અંગે તેમણે દાવો કર્યો હતો કે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? ત્યાં કૌભાંડ બાદ દિલ્હીમાં કેદારનાથ બનશે? અને પછી બીજું કૌભાંડ થશે. કેદારનાથમાંથી 228 કિલો સોનું ગાયબ છે. કોઈ તપાસ શરૂ કરવામાં આવી નથી. તેના માટે જવાબદાર કોણ? હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ દિલ્હીમાં કેદારનાથ બનાવશે, આવું ન થઈ શકે.