Gujarat

રાજ્યમાં બુધવારથી તાપમાનનો પારો ઉપર ચઢશે

ગાંધીનગર: આજે રાજ્યમાં ઠંડીનો પારો ઘટ્યો છે અને બપોરે થોડી ગરમ હવા અનુભવાઈ રહી છે. ગુજરાતમાં વસંતઋતુના આરંભ સાથે હવામાનમાં સામાન્ય ફેરફારો જોવા મળી રહ્યા છે. 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાનમાં સ્પષ્ટ ઉતાર-ચઢાવ નોંધાશે. પશ્ચિમ દિશામાંથી ફૂંકાતી ઠંડી હવાઓના કારણે મંગળવાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું તાપમાન આનંદદાયક રહેશે, જ્યારે રાત્રિનું તાપમાન નીચલા સ્તરે નોંધાઈ રહ્યું છે.

આજે કચ્છના નલિયામાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછી ઠંડી દર્શાવે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વહેલી સવાર અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, મંગળવાર સુધી રાજ્યમાં ઠંડી પશ્ચિમી પવનોના કારણે દિવસનું મહત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 14 થી 16 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. આ સમયગાળો હવામાનની દૃષ્ટિએ આરામદાયક રહેશે.

બુધવારથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન વધીને 33 થી 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ દરમિયાન સૂકી ગરમીનો અનુભવ થશે. સાથે જ, રાત્રિના ન્યૂનતમ તાપમાનમાં પણ વધારો થઈ 18થી 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 17 ડિ.સે., નલિયામાં 12 ડિ.સે., કંડલા પોર્ટ પર 16 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 13 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., પોરબંદરમાં 15 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમા 17 ડિ.સે., મહુવામાં 17 ડિ.સે., કેશોદમાં 16 ડિ.સે., અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 18 ડિ.સે. અને દમણમાં 19 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.

Most Popular

To Top