ગાંધીનગર : ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું હોવાથી લોકોને “તાપનું ટોર્ચર” સહન કરવું પડી રહ્યું છે. સતત વધતા પારાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.
રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે મહુવા અને ડીસામાં પણ પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભૂજમાં 39 ડિગ્રી, કેશોદમાં 39 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી અને સુરતમાં પણ 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ પર 38 ડિગ્રી, ભાવનગરમાં 38 ડિગ્રી, નલિયામાં 37 ડિગ્રી અને પોરબંદરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 16 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધી શકે છે. 10 માર્ચથી 14 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.તે ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં 13મી માર્ચ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. આ કારણે લોકોને અસ્વસ્થતા અને ઉકળાટનો અનુભવ થવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા હોવાથી લોકોને બપોરના સમયે બહાર જવાનું ટાળવા અને ગરમીથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.