ન્યૂયોર્ક: મોટી ટેકનોલોજી કંપનીઓમાં (Technology Company) છેલ્લા કેટલાક સમયથી સામૂહિક છટણીઓનો (Retrenchment) શરૂ થયો છે જે હજી પણ ચાલુ જ છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓએ કરેલી સામૂહિક છટણીઓ પછી હવે મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની સ્પોટીફાય પોતાના કર્મચારીગણમાંથી ૬ ટકાને છૂટા કરવાની તૈયારીમાં છે.
- ખર્ચ પર અંકુશ માટે આ પગલ઼ું ભરાઇ રહ્યું હોવાનો કંપનીના સીઇઓનો ખુલાસો
- આ સ્વીડીશ મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની વિશ્વભરમાંથી પ૮૮ જેટલા કર્મચારીઓને છૂટા કરશે
સ્પોટીફાયના સીઇઓ ડેનીયલ ઇક દ્વારા આ કંપનીના કર્મચારીઓને મોકલવામાં આવેલા મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે કંપની રિસ્ટ્રકચરિંગ કરી રહી છે. આ મેસેજ ઓનલાઇન પણ મૂકવામાં આવ્યો છે. આ મ્યુઝિક સ્ટ્રિમિંગ સર્વિસ કંપનીમાં ૯૮૦૦ જેટલા ફુલ ટાઇમ કર્મચારીઓ છે જેમાંથી અંદાજે પ૮૮ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. આ સ્વીડીશ કંપનીએ પણ પોતાના ખર્ચાઓમાં કાપ મૂકયો છે જે ગૂગલ અને મેટા જેવી કંપનીઓએ ભરેલા પગલાનું જ પ્રતિબિંબ પાડે છે, જે કંપનીઓ ઝડપથી વધતા વ્યાજ દર અને યુક્રેન યુદ્ધને કારણે અર્થતંત્ર પણ આવેલા દબાણનો સામનો કરી રહી છે.
અમારો ખર્ચ અંકુશમાં લેવા માટે અમે અમારા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો આ મુશ્કેલ પરંતુ જરૂરી નિર્ણય લીધો છે એમ સ્પોટીફાયના સીઇઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કંપની તેના વિશ્વભરના કર્મચારીગણમાંથી ૬ ટકા કર્મચારીઓને છૂટા કરી રહી છે. આજે જે પગલાઓ ભરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું એમ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર પ્રયાસો ખર્ચ ઘટાડવા માટે કર્યા છે પરંતુ તે પૂરતા થઇ રહ્યા નથી. સ્પોટીફાયની આ જાહેરાત પછી આજે શરૂઆતના સોદાઓમાં સ્પોટીફાયનો શેર ૪.૨ ટકા વધીને ૧૦૨.૦૧ ડોલર પર પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના છેલ્લામાં છેલ્લા છટણીઓના પગલામાં ગૂગલે ૧૨૦૦૦, માઇક્રોસોફ્ટે ૧૦૦૦૦ અને એમેઝોને ૧૮૦૦૦ કર્મચારીઓેને છૂટા કર્યા છે.