સોશ્યલ મીડિયા એન્ટી-સોશ્યલ બની ગયું છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં બે આંખની શરમ નથી નડતી. બે માણસો જયારે રૂબરૂમાં મળે, ત્યારે બંને વચ્ચે માત્ર વાતોની આપલે નથી થતી, તેમની વચ્ચે શરીરની ભાષાનો પણ વિનિમય થાય છે. બંને એકબીજાને આંખથી જુએ પણ છે અને મનથી સાંભળે પણ છે. નોન-વર્બલ કોમ્યુનિકેશન માણસો વચ્ચેના સંવાદનું અગત્યનું પાસું છે. સંવાદો સાર્થક અને સમજપૂર્વકના બનવા પાછળ શબ્દો ઉપરાંત ઘણાં પરિબળો કામ કરે છે. સોશ્યલ મીડિયામાં તેની ગેરહાજરી હોય છે એટલે મોટાભાગના સંવાદો મિસ-કોમ્યુનિકેશનમાં પરિણમે છે.
આવી જ સ્થિતિ વીડીઓ કોલની થઇ છે. કોરોના વાઇરસની મહામારીમાં વીડીઓ કોમ્યુનિકેશનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પ્રેસિડેન્ટ અને પ્રધાનમંત્રીથી લઈને વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલન્સ સુધીના કરોડો લોકોએ આ આખું વર્ષ વીડીઓ કોલ મારફતે તેમની ગતિવિધિઓ જાળવી રાખી હતી. ખાસ કરીને ઝૂમ જેવી એપ્લિકેશને સોશ્યલ ડીસ્ટન્સિન્ગ વચ્ચે આખી દુનિયાનો સંવાદ સંપર્ક વગર જ જાળવી રાખ્યો હતો. ટેક્નિકલી વીડીઓ કોન્ફરન્સિંગ અડધી સદીથી પણ જૂની ટેકનોલોજી છે, પરંતુ પાછલા એક વર્ષમાં અચાનક જ તેનો ઉપયોગ એટલો વધી પડ્યો, જેટલો એક દાયકામાં થયો હોત.
તેનો ફાયદો એટલે જ તે સૌથી હાથવગું માધ્યમ બની ગયું, પણ હવે વર્ચ્યુઅલ મીટિંગની આડઅસરો પર પણ લોકોનું ધ્યાન પડવા માંડ્યું છે. જે લોકોએ લગાતાર ઝૂમ એપ્લિકેશન પર કોન્ફરન્સ કરી છે, મીટિંગો કરી છે, ક્લાસ ભર્યા છે, વેબિનાર યોજ્યા છે કે ઓફિસનું કામ કર્યું છે તેમણે એવી પણ ફરિયાદ કરી છે કે આ પ્રકારના ટેકનોલોજીકલ સંવાદમાં તેમની ઊર્જા બહુ ખર્ચાઈ જાય છે. વૈજ્ઞાનિકોએ તેને એક નામ પણ આપ્યું છે; ઝૂમ ફટીગ, એટલે કે ઝૂમ મીટિંગથી આવતી થકાવટ. સૌથી વધુ સ્કૂલી બાળકો અને તેમનાં પેરેન્ટ્સ અને કોલેજના વિદ્યાર્થીઓ આનાથી બહુ પરેશાન છે.
અમેરિકાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનો એક તાજો અભ્યાસ અમેરિકન સાઇકોલોજિકલ એસોસિયેશનની પત્રિકા ‘ટેકનોલોજી, માઈન્ડ એન્ડ બિહેવિયર’માં પ્રકાશિત થયો છે. તેમાં ઝૂમ મીટિંગથી આવતી માનસિક થકાવટનાં ચાર મુખ્ય કારણો શોધવામાં આવ્યાં છે; એક, વધુ પડતો નજીકનો આઈ-કોન્ટેક્ટ, જે જેલની કોટડીમાં થતી ઊલટતપાસ જેવો અહેસાસ કરાવે છે. તમે ન બોલતાં હો તો પણ તમારી પર બધાની નજર ફરતી હોય. બે, સતત પોતાનો જ ચહેરો જોતાં રહેવાથી આત્મવિશ્વાસ ડામાડોળ થઇ જાય છે. ત્રણ, સતત લાંબા સમય સુધી બેસી રહેવાની મજબૂરી અને ચાર, સામેવાળી વ્યક્તિની દેહ ભાષા (બોડી લેંગ્વેજ) સમજમાં નથી આવતી.
માણસ સામજિક પ્રાણી છે. તે બીજી વ્યક્તિ સાથેના ઈન્ટરેકશનમાં માત્ર શબ્દોની આપલે નથી કરતો. તે ભાવનાઓની પણ આપલે કરે છે. આપણે દિમાગથી સમજીએ છીએ, પણ દિલથી સાંભળીએ છીએ. વર્ચ્યુઅલ ઈન્ટરેકશન આની ગેરહાજરી હોય છે. આપણે કોઈને રૂબરૂ મળીને વાત કરીએ, તો એ વ્યક્તિ આપણી સાથે વાત કરે ત્યારે તેની બોડી લેંગ્વેજ, અવાજનો ટોન, આંખોના ભાવ પણ તેની વાતને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. પરંતુ ઓનલાઈનમાં વ્યક્તિ સદેહે નથી હોતી, એટલે આપણે તેના શબ્દોનું આપણી રીતે અર્થઘટન કરીએ છીએ. . હું તમને રૂબરૂમાં એમ કહું કે ‘તમને નહીં સમજાય,’ તો તે વખતે તમને મારા હોઠ પરનું હાસ્ય પણ દેખાશે અને તમે પણ હસી પડશો. ફેસબુક પર આ જ વાક્યનો અર્થ ‘તમારામાં બુદ્ધિ ઓછી છે’ એવો થશે. એટલા માટે ફેસબુક પર તમે ગમે તે લખો, ગેરસમજ કરનારા નીકળી જ આવશે, જે સરવાળે નકારાત્મકતામાં ઉમેરો કરશે.
વર્ચ્યુઅલ મીટિંગમાં પણ આપણને બીજા લોકોની બોડી લેંગ્વેજ સમજમાં નથી આવતી એટલે એ સંવાદ ભારેખમ બની જાય છે. આપણે બીજી વ્યક્તિને જોવા માટે આંખો અને દિમાગને ખેંચીને વધુ પ્રયાસ કરવો પડે છે. બોડી લેંગ્વેજને જોવી અને સમજવી અચેતન ક્રિયા છે. રૂબરૂમાં આપણે બીજી વ્યક્તિને સાંભળતા હોઈએ ત્યારે આપણું મન બેકગ્રાઉન્ડમાં તેના હાવભાવને પ્રોસેસ કરતું હોય છે, જેથી સંવાદ વધુ સાર્થક બને છે.
આપણે સામેવાળી વ્યક્તિને કોઈ વાતની ખાતરી આપવી હોય, તો આપણે ઘણી વાર ‘સાચું કહું છું, તારા સમ, બસ’ બોલીએ છીએ. આ શબ્દો બોલતી વખતે હકીકતમાં આપણા હાવભાવ આપણી સચ્ચાઈને બયાં કરતા હોય છે, એટલે માટે સામેની વ્યક્તિને તેમાં વિશ્વાસ પડે છે. ઓનલાઈન કોમ્યુનિકેશનમાં આ સંવાદનો આ નિર્ણાયક હિસ્સો ગાયબ હોય છે એટલે ગમે તેટલા તાકાતવર શબ્દો પણ કમજોર પડી જાય છે અને સાંભળનારનું મન તેને માનવા-સમજવા ડબલ જોર લગાવે છે.
નિકટતા માટે અંગ્રેજીમાં ઇન્ટિમસી શબ્દ છે. લેટિન ‘ઇન્ટિમરે’ પરથી આ શબ્દ આવે છે, જેનો અર્થ થાય છે ઈમ્પ્રેસ કરવું, અસર છોડવી. આ ‘ઇન્ટિમરે’ શબ્દ ‘ઇન્ટિમુસ’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે સૌથી અંદરનું, ઇનરમોસ્ટ. શારીરિક સંપર્ક પછી સૌથી ઘનિષ્ઠ ઇન્ટિમસી સંવાદની હોય છે. ઇન ફેક્ટ, રોમેન્ટિક પ્રેમમાં પણ સંવાદની ઇન્ટિમસી બહુ નિર્ણાયક હોય છે. શરીરની ઇન્ટિમસીમાં શરીરનો પરિચય થાય છે. સંવાદની ઇન્ટિમસીમાં મનની ઓળખાણ થાય છે.
બે વ્યક્તિ શારીરિક રીતે નિકટ હોય, ત્યારે તેમના સંવાદમાં એક ઇન્ટિમસી સર્જાય છે. આપણે જોવાવાળા પ્રાણી છીએ. બોડી લેંગ્વેજ વર્બલ લેંગ્વેજ કરતાં પ્રાચીન છે. આપણામાં ભાષા આવી ન હતી ત્યારે આપણે હાવભાવથી સંવાદ કરતા હતા. આજે આપણે બોલવા-સાંભળવામાં અત્યંત કુશળ થઇ ગયા છીએ, છતાં બોડી લેંગ્વેજની હજુય અગત્યની ભૂમિકા છે. શરીરના સંકેતો આજે પણ આપણને બોલતા શબ્દોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
દાખલા તરીકે, હું તમને એમ કહું કે ‘મને કોઈએ ગાલ પર તમાચો માર્યો,’ અને તે વખતે મારા હાથ મેં પૂંઠ પાછળ બાંધી રાખ્યા હોય, તો તમને મારા મારની ગંભીરતા સમજવામાં તકલીફ પડશે, પણ ‘મને કોઈએ ગાલ પર તમાચો માર્યો’ એવું કહેતી વખતે હું ગાલ પર હાથ મૂકું, તો તમને તેની તીવ્રતા વધુ સારી રીતે સમજાશે. એવી જ રીતે, તમે મને પૂછો કે ‘રેલવે સ્ટેશન ક્યાં આવ્યું?’ તો હું તમને ડાબો કે જમણો હાથ લાંબો કરીને કહીશ કે આ બાજુ ત્રણ કિલોમીટર પર આવ્યું.
ડિજીટલ યુગમાં બોડી લેંગ્વેજની આ ઇન્ટિમસીની ગેરહાજરી આપણા સંવાદોને બિનઅસરકારક બનાવી રહ્યા છે. ઈમેઈલની ટેકનોલોજી આવી ત્યારે લોકોએ તેની ગતિના કારણે કોમ્યુનિકેશનની દુનિયામાં એક જબરદસ્ત ક્રાંતિની અપેક્ષા રાખી હતી. વ્યાવસાયિક ક્ષેત્રે લોકોએ તેમનાં તમામ કોમ્યુનિકેશન ઈમેઈલ પર વાળી દીધાં હતાં. તેની દસ્તાવેજીકરણની સુવિધાના કારણે ઈમેઈલ અત્યંત અસરકારક ટેકનોલોજી હતી, આજે પણ છે, પરંતુ તેમાં સામેની વ્યક્તિની ફેસ-ટુ-ફેસ ગેરહાજરીના કારણે ઓફિસોમાં વીડીઓ કોન્ફરન્સિંગનું ચલણ વધી ગયું. આજે એક વર્ષના જબરદસ્ત અનુભવ પછી દુનિયાને લાગી રહ્યું છે કે વીડીઓ કોન્ફરન્સિંગમાં પણ થાક લાગે છે. ઝૂમ જેવી એપ્લિકેશને તો આ ટેકનોલોજીને વધુ ‘માનવીય’ અને ઇન્ટિમેટ બનાવવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે.