દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પર આજ રોજ તા. 7 નવેમ્બર શુક્રવારે મોટી ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં થયેલી ખામીને કારણે 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલાક સમય માટે વિમાનનું આવનજાવન પણ અટકી ગયું હતું. આ ખામીના કારણે મુસાફરોને લાંબી લાઈનોમાં રાહ જોવી પડી હતી અને એરલાઇન્સને પણ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સે મુસાફરોને શાંતિ રાખવાની અને ધીરજ ધરવાની વિનંતી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ ટીમો સતત કામ કરી રહી છે. જેથી ઉડાન વ્યવસ્થા શક્ય તેટલી ઝડપથી સામાન્ય બની શકે. IGI એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત વિમાનમથક છે. જ્યાં દરરોજ આશરે 1,500 જેટલી ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. તેથી આ ખામીનો પ્રભાવ વિશાળ પ્રમાણમાં જોવા મળ્યો હતો.
એર ઇન્ડિયાના એક મુસાફરે જણાવ્યું કે તેમની ફ્લાઇટ રનવે પર અડધા કલાકથી વધુ સમય સુધી અટકેલી રહી. ક્રૂ દ્વારા મુસાફરોને જણાવાયું કે ATC સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યા હોવાથી વિલંબ થઈ રહ્યો છે. અન્ય મુસાફરોનો પણ એવો જ અનુભવ રહ્યો. જ્યાં વિલંબને કારણે બોર્ડિંગ ગેટ્સ પર ભારે ભીડ થઈ હતી.
એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું કે ATC સિસ્ટમમાં થયેલી ટેકનિકલ ખામીની તપાસ ચાલી રહી છે અને જરૂરી સુધારણા તાત્કાલિક કરવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ વિમાનની સમયસૂચિ પર હજુ પણ અસર દેખાઈ રહી છે.
આ ઘટના પહેલા પણ બુધવારે એર ઇન્ડિયાની ચેક-ઇન સિસ્ટમ સર્વર ડાઉન થવાથી મુસાફરોને મુશ્કેલી પડી હતી. તે વખતે લગભગ દોઢ કલાક સુધી એરલાઇનના મુસાફરોને ચેક-ઇન માટે રાહ જોવી પડી હતી. એ વખતે પણ એરલાઇનને મેન્યુઅલી પ્રક્રિયા કરવી પડી હતી.
દિલ્હીના IGI એરપોર્ટ પર આવી ટેકનિકલ ખામીઓ વારંવાર થતી હોવાથી મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ દેશના ઉડાન વ્યવસ્થાપનનું મુખ્ય કેન્દ્ર છે અને તેમાં કોઈ ખામી આવે તો તેની અસર સીધી રીતે હજારો મુસાફરો પર પડે છે. હાલ ટેકનિકલ ટીમોએ ખામી દૂર કરી છે અને ફ્લાઇટ સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત થઈ રહી છે.
દિલ્હીના IGI એરપોર્ટ પર ATC સિસ્ટમની ટેકનિકલ ખામીના કારણે 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. મુસાફરોને લાંબી રાહ અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાલ પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે.