National

આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ જ રહેશે, TDP નેતા રવિન્દ્ર કુમારે આપી ખાતરી

નવી દિલ્હી: કેન્દ્રમાં NDA ગઠબંધન સરકારની રચના પહેલા જ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ એક મોટી જાહેરાત કરી છે. ટીડીપી પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતૃત્વવાળા ગઠબંધનનો ભાગ છે, ત્યારે પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ (Muslim reservation) ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર કુમારે આ મામલે માહિતી આપી હતી.

લોકસભા ચૂંટણી 2024માં દરેક જગ્યાએ પ્રચાર દરમિયાન પીએમ મોદી અને બીજેપીના અન્ય નેતાઓએ મુસ્લિમ આરક્ષણનો વિરોધ કર્યો હતો તેમજ તેને બંધારણની વિરુદ્ધ ગણાવ્યુ હતું. ભાજપના નેતાઓએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે ધર્મના આધારે અનામતનો વિરોધ કર્યો હતો, પરંતુ કોંગ્રેસે એસટી-એસસી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપી હતી. આવી સ્થિતિમાં ભાજપના સહયોગી પક્ષ દ્વારા મુસ્લિમ આરક્ષણ ચાલુ રાખવું પાર્ટી માટે વિવાદનું કારણ બની શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન ટીડીપી નેતા રવિન્દ્ર કુમારને પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટી મુસ્લિમ આરક્ષણ ચાલુ રાખશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હા અમે આરક્ષણ ચાલુ રાખીશું. તેમાં કોઈ સમસ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રબાબુ નાયડુએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવા માટે પોતાની પહેલી શરત રાખી છે કે તેઓ મુસ્લિમ આરક્ષણ હટાવશે નહીં.

ટીડીપી શા માટે મહત્વપૂર્ણ છે?
તેલુગુ દેશમ પાર્ટીને લોકસભા ચૂંટણી 2024માં કુલ 16 બેઠકો મળી છે અને તે દેશમાં છઠ્ઠી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. લોકસભામાં સરકાર બનાવવા માટે કોઈપણ નેતાને 272 સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 240 સાંસદો છે. માટે ટીડીપી એનડીએ ગઠબંધનમાં બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. તેમજ જેડીયુ 12 બેઠકો સાથે ગઠબંધનમાં ત્રીજો મહત્વનો પક્ષ બની હતી. હવે એનડીએ ગઠબંધન પાસે કુલ 292 સાંસદો છે. આવી સ્થિતિમાં જો ટીડીપી ગઠબંધન છોડે છે તો એનડીએ ગઠબંધનમાં માત્ર 276 સાંસદો જ બચશે અને આવનારી સરકાર પડી જવાનો ભય રહેશે. આ કારણથી ભાજપ માટે ટીડીપીનું સમર્થન ખૂબ મહત્વનું છે.

આ સિવાય ટીડીપીએ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 135 બેઠકો જીતી હતી અને આંધ્રપ્રદેશમાં પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારી કરી હતી. અહીં સરકાર બનાવવા માટે 88 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે અને TDP પાસે આ સંખ્યા કરતા વધુ ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે માત્ર આઠ ધારાસભ્યો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે ટીડીપીને કોઈ મદદની જરૂર નથી. આ જ કારણ છે કે ચંદ્રબાબુ નાયડુ પોતાની શરતો પર જ કેન્દ્ર સરકારમાં ભાજપને સમર્થન આપવા માંગે છે.

Most Popular

To Top