ગાંધીનગર: અમદાવાદ (Ahmedabad) શહેરના ઇસ્કોન બ્રિજ ઉપર 19મી જુલાઈની મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં (Accident) નવ નિર્દોષ લોકોના મૃત્યુ (Death) થયા હતા. આ ઘટનામાં પોલીસે (Police) કરોડપતિ નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. તથ્ય પટેલે 150 કરતાં વધુ સ્પીડે જગુઆર ચલાવીને ઈસ્કોન બ્રીજ પર ઊભેલા 9 લોકોને ઉડાવી દીધા હતાં. આ ઘટના પછી અનેક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાઈરલ થયાં હતા.
કારની સ્પીડ 120થી વધુ હતી, તથ્યની કબૂલાત
તથ્ય પટેલે પોતાની કાર 120થી વધુની સ્પીડે હંકારી હોવાનો પોતે સ્વીકાર કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથે જ તથ્ય એવું પણ કહે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારું… આમ ગાડીની સ્પીડ 120થી વધુ હોવાનો ખુદ તથ્ય દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં પણ જોઈ શકાય છે કે તથ્ય પટેલ ફુલ વોલ્યુમ સાથે કારનું સ્ટિયરીંગ છોડી દઈને ગીતો સાંભળવા સાથે નાચી રહ્યો હતો. હકીકતમાં કાર ચાલી રહી હતી ત્યારે તથ્યની નજર રોડ પર હતી જ નહીં. આ વીડિયો તેના જ કોઈ મિત્રએ કારમાંથી ઉતારીને વાઈરલ કર્યો છે.તથ્ય ડાન્સ અને ગીતોના તાલમાં એટલો મસ્ત ડૂબી ગયો હતો કે સામે રસ્તા પર શું થઈ રહ્યું છે તેનું એને કોઈ ભાન જ નહોતું.
તથ્યને અમને સોંપી દો, અમે બદલો લઈશું : મૃતકોના પરિજનોનો આક્રોશ
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે શુક્રવારે આરોપી પિતા- પુત્રને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. સાથે જ કરોડપતિ પ્રજ્ઞેશ પટેલના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે તેવી લોકોએ માંગણી કરી હતી. તો બીજી તરફ અકસ્માતમાં માર્યા ગયેલા બોટાદના અક્ષર ચાવડાના પરિવારે કહ્યું હતું કે, તથ્યને અમને સોંપીદો અમે ન્યાય કરીશું.
કોર્ટ પરિસરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવા છતાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે, કરોડપતિ નબીરાઓને ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જોઈએ તેમજ તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવું જોઈએ. કરોડપતિ પ્રજ્ઞેશ પટેલની મિલકતની હરાજી કરી તેની રકમ મૃતક પરિવારજનોને સહાય પેટે આપવી જોઈએ, તેવી માંગણી લોકોએ કરી હતી.
તથ્ય પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર, પિતા પ્રજ્ઞેશ જેલને હવાલે
આ ઘટનામાં તથ્ય પટેલ તથા તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી લીધા બાદ તેઓની સધન પુછપરછ કરાઈ હતી. તે પછી બપોરે બન્ને પિતા – પુત્રને આજે સ્પે. કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજુ કરાયા હતા. બન્ને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ સ્પે. કોર્ટ દ્વારા પિતા પ્રજ્ઞેશ પટેલને જેલના હવાલે (જયુ. કસ્ટડી ) મોકલી દેવાયા છે. જ્યારે સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલને 3 દિવસના રિમાન્ડ પર વધુ સધન તપાસ તથા પુછપરછ માટે તપાસનીશ અધિકારીને સોંપી દેવાયો છે.
સમગ્ર ઘટના બની ત્યારે તથ્ય પટેલની કાર કેટલી ઝડપે હતી? કારની અંદર શું ચાલી રહ્યું હતું? તે કેટલા વાગે તેના ઘરેથી નીકળ્યો હતો? કયાં ગયો હતો? કેફેમાંથી કેટલા વાગ્યે નીકળ્યો હતો? કારમાં ખરેખર કેટલા લોકો હતાં? તથ્ય પટેલે કોઈ નશો કર્યો હતો કે કેમ? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે રિમાન્ડ જરૂરી છે, તેવી દલીલ સ્પે. સરકારી ધારાશાસ્ત્રી પી એમ ત્રિવેદીએ કરી હતી. આરોપીના ધારાશાસ્ત્રી નિસાર વૈધે રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો.