યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ખુલ્લું સમર્થન આપ્યું છે. ઝેલેન્સકીએ જણાવ્યું કે ટ્રમ્પે ભારત સહિતના કેટલાક દેશો પર ટેરિફ લાદીને યોગ્ય પગલું ભર્યું છે. તેમના મુજબ, રશિયા સાથે વેપાર કરતા દેશો પર કડક આર્થિક દબાણ જાળવવું જરૂરી છે. જેથી મોસ્કોને રોકી શકાય.
ટ્રમ્પના ટેરિફને ખુલ્લો ટેકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં ભારત સહિત કેટલાક દેશો પર ભારે ટેરિફ લાદ્યા હતા. આ મુદ્દે આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન ઝેલેન્સકીએ સ્પષ્ટ કહ્યું કે “તેમને ટ્રમ્પની આ નીતિ યોગ્ય લાગે છે. રશિયા સાથે વેપાર કરતા દેશો પર ટેરિફ લાદવાનો વિચાર એક સારું પગલું છે.”
તેમણે ભારતને ઉદાહરણ રૂપે લીધું અને જણાવ્યું કે ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરે છે જે યોગ્ય નથી. તેમના અનુસાર આ વેપાર સીધો મોસ્કોની આર્થિક શક્તિ વધારતો હોવાથી તેને તરત જ બંધ કરવો જોઈએ.
યુરોપિયન દેશોની કડક ટીકા
ઝેલેન્સકીએ યુરોપિયન દેશો પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ઘણા યુરોપિયન દેશો હજુ પણ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. ઝેલેન્સકીના શબ્દોમાં “આ યોગ્ય નથી. રશિયા પર વધુ દબાણ લાવવું પડશે અને આ દબાણ અમેરિકા તરફથી જ આવવું જોઈએ.”
ટ્રમ્પ પર પૂરો વિશ્વાસ છે
ઝેલેન્સકીએ ટ્રમ્પ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ફક્ત ટ્રમ્પ જ પુતિનને રોકવા માટે જરૂરી કડક પગલાં લઈ શકે છે. “મને વિશ્વાસ છે કે ટ્રમ્પ આમાં સફળ થશે”
તેમણે આ પણ ખુલાસો કર્યો કે તાજેતરમાં ટ્રમ્પ અને પુતિન અલાસ્કામાં મળ્યા હતા. છતાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે અને આ પરિસ્થિતિને અંત લાવવા માટે કડક આર્થિક પ્રતિબંધ જ એકમાત્ર રસ્તો છે.
ઝેલેન્સકીનું આ નિવેદન ભારત અને યુરોપિયન દેશો માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ જો રશિયા સામે એકજૂટ થઈને પગલાં નહીં લેવાય તો પુતિન પર કાબૂ મેળવવો મુશ્કેલ રહેશે. ટ્રમ્પની ટેરિફ નીતિ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.