મુંબઈ: ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chashma) ફરી એકવાર ચર્ચામાં છે. એક સમયે તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા હવે આ સીરિયલનો ભાગ રહ્યાં નથી. તેમને શો છોડ્યાના 6 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરંતુ આ વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે. ચર્ચા છે કે શૈલેષ લોઢાનું બાકીનું પેમેન્ટ (Payment) હજુ સુધી ચુકવવામાં નથી આવ્યું.
મહિનાઓ થવા છતાં શૈલેષ લોઢાને ફી નથી ચૂકવાઈ
મેકર્સે શૈલેષ લોઢાની 1 વર્ષનું પેમેન્ટ હજુ સુધી ચૂકવું નથી. આ રકમ લાખોમાં છે. શૈલેષ ખૂબ જ ધીરજ સાથે રાહ જોઈ રહ્યા છે કે મેકર્સ તેમને બાકીની ફી ચૂકવી દે. પરંતુ પ્રોડ્યુસર અસિત કુમાર મોદી તેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યા. સૂત્રો જણાવે છે કે શૈલેષ લોઢાએ મેકર્સ સાથે વિવાદ બાદ શો છોડી દીધો હતો. કોઈ વિવાદ બાદ તેમને અપમાનનો અનુભવ થયો અને કોઈપણ નોટિસ વિના તેઓએ શો છોડી દીધો હતો. શૈલેષ જ્યારથી શોમાંથી બહાર થયા છે તેમણે શો પર કોઈ ટિપ્પણી નથી કરી.
તારક મહેતાનો મેકર્સ પર મોટો ખુલાસો
સૂત્રો મુજબ આ પહેલીવાર નથી જ્યારે મેકર્સે કોઈને ચેક આપવામાં મોડું કર્યુ હોય. શોમાં અગાઉ અંજલિ ભાભીનું પાત્ર ભજવનાર નેહા મહેતાની 30-40 લાખનું અમાઉન્ટ હજુ સુધી મેકર્સે ક્લિયર નથી કરી. શોમાં ટપુનું પાત્ર ભજવનાર રાજ ઉનડકટને પણ ફી અંગેની સમસ્યા આવી રહી હતી. ફીની સમસ્યા મામલે શૈલેષ લોઢાને પૂછવામાં આવતા તેમણે કટાક્ષ કર્યો કે મને કંઈક નવું જણાવો. જોકે આ વિવાદ પર હજુ સુધી અસિત મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે આ શો માં શૈલેષ લોઢા શરૂઆતથી જ જોડાયેલા હતાં. શૈલેષ લોઢાએ છેલ્લા 14 વર્ષથી આ શોમાં કામ કરી રહ્યા હતા. શૈલેષ લોઢા અને મેકર્સ વચ્ચે કોઈ કારણોસર વિવાદ થયો હતો જેના કારણે તેઓએ એપ્રિલ 2022 માં તેમને આ શોને અલવિદા કહી દીધો હતો. તેઓના શો છોડયા પછી એવી પણ જાણકારી સામે આવી હતી કે શૈલેષ લોઢા પોતાના તારક મહેતાના રોલથી ખુશ ન હતા. તેઓ કંઈક નવું કરવા માગતા હતા. શૈલેષ લોઢાને આ શોમાં રહેવા માટે અસિત મોદી દ્વારા ઘણા પ્રયાસ પણ કર્યો પણ શૈલેષ લોઢા માન્યા નહીં હતાં.