સુરત, ગાંધીનગર: દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી (Tapi) નદી પર કાર્યરત ઉકાઈ (Ukai) બંધ જળાયશયને આ વર્ષે ૫૦ વર્ષ પુર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમના ૫૦ વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક ૨૨૪ મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ યોજનામાંથી સિંચાઈ, ઘરગથ્થુ તથા ઔદ્યોગિક વપરાશ માટે પાણી આપવામાં આવે છે. ઉપરાંત આ યોજનામાં મુખ્ય બંધ પર કુલ 300 મેગાવોટ (75 મેગાવોટ x 4 = 300 મેગાવોટ)ના હાઈડ્રો પાવર તથા જમણા કાંઠા નહેરના હેડ રેગ્યુલેટર પર કુલ 5 મેગાવોટ (2.5 મેગાવોટ x 2= 5 મેગાવોટ) હાઈડ્રો પાવર યુનિટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ યુનિટોનું સંચાલન વીજ વિભાગ દ્વારા સિંચાઈ વિભાગના સંકલનમાં કરવામાં આવે છે.
ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગના શિરે વધુમાં વધુ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદનની સાથે સાથે પુર નિયંત્રણ તથા સુરત શહેરને પુરના પાણીથી કોઈ જ નુકસાન ન થાય તે માટે ઉકાઈ બંધમાંથી ૨ લાખ ક્યુસેક્સ કરતાં વધુ પાણી નહીં છોડવાની જવાબદારી હતી, તથા ડેમના રૂલ લેવલ પણ જાળવવાના થતાં હતાં.
ચાલુ ચોમાસામાં તાપી નદીના કેચમેન્ટમાં ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. ઉકાઈ બંધમાં ઈન્ફ્લો ૩ લાખ ૬૦ હજાર ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો ૧ લાખ ૮૫ હજાર ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખી પુર વ્યવસ્થાપનની ઉત્તમ કામગીરી કરાઈ છે. મહત્તમ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન તથા હેઠવાસમાં સુરત શહેરને ધ્યાને લઈ વ્યવહારૂ તથા દુરંદેશી અભિગમ અપનાવી હવામાન વિભાગ દ્વારા આપેલ આગાહીઓ તથા સેન્ટર્લ વોટર કમિશન તરફથી આપવામાં આવેલી સંભવિત પાણીના આવરા અને સાથોસાથ બંધ સલામતીને પણ ધ્યાને રાખી જરૂરિયાત ઉભી થયે રૂલ લેવલ કરતાં વધારે લેવલ સુધી પાણી સંગ્રહિત કરી હતી.
આ પાણી હાઈડ્રો પાવર ઉત્પાદનમાં વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા માહે ઓગસ્ટ-૨૦૨૨ માં ૨૨૪ મિલિયન યુનિટ હાયડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલ છે, જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે છેલ્લા પચાસ વરસમાં આ એક રેકોર્ડ છે. ચાલુ વર્ષે દેશ આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ અમૃત્ત વર્ષે આ એક રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.267 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન કરાયું હતું.આમ, સિંચાઈ વિભાગ અને વીજ વિભાગના વહીવટી સંકલન અને કુશળતાના પરિણામ સ્વરૂપ આ રેકર્ડ હાઈડ્રો પાવર વીજ ઉત્પાદન થયું છે. (ઓગસ્ટ 2022 માં વીજ ઉત્પાદન : અંદાજે રકમ 224 મિલિયન યુનિટ x રૂ. 3.50 પ્રતિ યુનિટ = રૂ. 7840 લાખ) અને ચાલુ ચોમાસા દરમ્યાન કુલ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન 318.38 મિલિયન યુનિટ : અંદાજિત રકમ રૂ. 11143 લાખ)નું વીજ ઉત્પાદન થયું છે.