હથોડા: પીપોદરા નજીક હાઇવે (Highway) પરથી પસાર થતું ઓઇલ (Oil) ભરેલું ટેન્કર (Tanker) પલટી જતાં અને ટેન્કરમાં ભરેલું ઓઇલ હાઇવે પર ઢોળાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાવાની સાથે ટ્રાફિક (Traffic) પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. નેશનલ હાઇવે નં.48 પરથી પીપોદરા હાઈવે પરથી પસાર થતા ઓઇલ ભરેલા એક ટેન્કરની આગળ ચાલતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં અકસ્માત સર્જાવાના ભયે ટેન્કરના ચાલકે પણ અચાનક બ્રેક મારતાં ઓઇલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. અને ટેન્કરમાં ભરેલું ઓઇલ હાઇવે પર ઢોળાતાં અને સર્વિસ રોડ ઉપર પણ ખાબોચિયાં ભરાતાં હાઇવે પરનો વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો.
નાનાં વાહનો સ્લિપ થવાના બનાવ બનતાં આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ બાદ વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પાલોદ પોલીસ તેમજ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે ધસી કામગીરી હાથ ધરી હતી. જો કે, તંત્રની સજાગતાના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
વાપીમાં બ્રિજને તોડવાની કામગીરીને પગલે માર્ગો બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી
વાપીમાં વર્ષો જૂનો રેલવે ફ્લાયબ્રિજને તોડી તેના સ્થાને નવો ફોર લેનવાળો ફ્લાયબ્રિજ બનાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો છે. જૂના બ્રિજને તોડવાની કામગીરી વાપી દમણ રોડ સ્થિત જીએસટી ભવન સુધી પહોંચી ચૂકી છે. આ બ્રિજની કામગીરીને લઈ કેટલાક માર્ગો બંધ કરાયા છે અને ડાયવર્ઝન આપવામાં આવેલા છે. જેને લઈ સ્થાનિકો તો ઠીક દૂરથી આવનારા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રિજ તોડવાની કામગીરી સાવચેતીપૂર્વક કરાઈ રહી છે. નોંધનીય છે કે, બ્રિજને તોડી નવો ફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવશે અને તે બ્રિજ માટેના પાયા ખોદી પીલ્લરો પણ બનાવવામાં આવી રહ્યા છે. ચોમાસાનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે વાપીવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.