તામિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 27 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી NDA ગઠબંધનના ભાગરૂપે AIADMK સાથે થયેલા બેઠક વહેંચણી કરાર પછી બહાર પાડવામાં આવી છે. પાર્ટીએ મર્યાદિત બેઠકો પર પરંતુ મજબૂત અને જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના અપનાવી છે. આ યાદીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનને અવિનાશી (SC) બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દલિત અને પશ્ચિમ તમિલનાડુ વિસ્તારમાં પાર્ટી પોતાનું પ્રભાવ વધારવા માંગે છે, જેના માટે મુરુગન જેવા નેતાને મહત્વ આપવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે ભાજપના પૂર્વ રાજ્ય પ્રમુખ કે. અન્નામલાઈ આ વખતે ચૂંટણી નહીં લડે. પાર્ટીના સૂત્રો મુજબ તેઓ ચૂંટણી પ્રચાર અને સંગઠન મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અન્નામલાઈએ પણ સોશિયલ મીડિયા પર ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને NDA માટે 210 બેઠકો જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ભાજપે મહિલા નેતાઓને પણ નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપ્યું છે. તેમાં ડૉ. તમિલિસાઈ સુંદરરાજનને માયલાપોર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે અને શહેરી મતદારોમાં તેમની સારી લોકપ્રિયતા છે. ઉપરાંત વનથી શ્રીનિવાસન, કીર્તિકા શિવકુમાર, કવિતા શ્રીકાંત અને વિજયધરાણી જેવા નામો પણ યાદીમાં સામેલ છે. યાદીમાં અન્ય મહત્વના ઉમેદવારોમાં નૈનાર નાગેન્દ્રન (સત્તુર), એમ.આર. ગાંધી (નાગરકોઈલ) અને સી. એલુમલાઈ (તિરુવન્નામલાઈ)નો સમાવેશ થાય છે. ભાજપ NDA ગઠબંધન હેઠળ 27 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જેમાં શહેરી, પશ્ચિમ અને દક્ષિણ તમિલનાડુના વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મતદાન 23 એપ્રિલ 2026ના રોજ થશે જ્યારે મતગણતરી 4 મે 2026ના રોજ થશે.

