એન્નોર: આજે વહેલી સવારે તમિલનાડુના એન્નોરમાં એક સબ-સી- ગેસની પાઇપમાંથી (sub-sea gas pipe) એમોનિયા ગેસ (ammonia gas) લીક (Leak) થવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ પાઇપમાથી ગેસના લીકેજને રોકવાના પ્રયાસો હાથ ધરાયા હતા. તેમજ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તમિલનાડુના એન્નોરમાં ગેસ લીક સબ-સી પાઇપમાંથી એમોનિયા ગેસ લીકેજ થયો હતો. ઘટના આજે વહેલી સવારે બની છે. ઘટનાની માહિતી મળતા જ ગેસને અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસ લીક થવાને કારણે આસ પાસના વિસ્તારમાં તીવ્ર ગંધ ફેલાઇ હતી. જેના કારણે પાંચ લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
તમિલનાડુ આવડી જોઈન્ટ કમિશનર વિજયકુમારે સમગ્ર મામલે જણઅવ્યું હતું કે કોઇએ ગભરાવાની જરૂર નથી. હાલ સ્થિતિ સ્થિર છે. એન્નોરમાં થયેલી ઘટનાની કાબુમાં લેવામાં આવી છે. તેમજ હવે કોઈ ગેસ લીક થતો નથી. તેમણે વધુમાં કહ્યું કે દાખલ કરાયેલા લોકો ઘરે પાછા આવી ગયા છે. મેડિકલ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
આ સાથે જ એમોનિયા ગેસ લીક થયાના સમાચાર મળતાની સાથે જ ભોપાલ દુર્ઘટનાની ડરામણી યાદો ફરી એકવાર તાજી થઈ ગઈ. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં 3 ડિસેમ્બર, 1984ના રોજ એક ભયાનક ઔદ્યોગિક અકસ્માત થયો હતો. જેને ભોપાલ ગેસ કાંડ અથવા ભોપાલ ગેસ દુર્ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ભોપાલ સ્થિત યુનિયન કાર્બાઈડ નામની કંપનીની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થયો હતો, જેના કારણે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.