Comments

કામની વાત: કલાકોની સાથે બુદ્ધિ પણ રેડો

આજના સોશ્યલ મિડિયાના યુગમાં અમુક લોકો દૂધ પીરસાય કે તુરંત તેમાંથી પોરાં કાઢવા માટે સદૈવ ટાંપીને બેઠા હોય છે. હમણાં પ્રસિદ્ધ કંપની લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ. એન. સુબ્રહ્મણિયમના નામે એક વિડિયો વાયરલ થયો, જેમાં એમણે સપ્તાહમાં 90 (નેવું) કલાક કામ કરવું જોઈએ એવી હિમાયત સ્ટાફની એક મિટિંગમાં કરી હતી. એ મુજબ પંદર કલાક કામ કરવું પડે અને સાતેય દિવસ કામ કરો તો દિવસમાં સરેરાશ તેર કલાકથી સહેજ ઓછો સમય કામ કરવું પડે. તે સામે ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિએ, યુવાનોએ સપ્તાહમાં કુલ સિત્તેર કલાક કામ કરવું જોઈએ એવો અભિપ્રાય આપ્યો. શ્રી સુબ્રહ્મણિયમના વિધાનની લોકોએ ટીકટ કરી. તરેહ તરેહનાં મંતવ્યો અને અભિપ્રાયો વહેતાં થયાં. કોઈએ કહ્યું કે એલએન્ડટી કામદારો પાસેથી ગજા બહારનું કામ લેવા માગે છે. કોઇએ બાળકો, પત્ની અને ઘર માટે પણ સમય આપવો જોઈએ, માત્ર કામ, કામ અને કામ જ ન કરાય, તેમ કહ્યું.

જપાન, યુરોપ અને હવે ચીનનાં લોકો પણ ખૂબ કામઢાં છે. યુરોપે પરિશ્રમ દ્વારા જે સમૃદ્ધિ થઇ રહ્યો છે. જે કંઇ થોડું કે ઘણું પ્રાપ્ત થાય છે તે પરિશ્રમ થકી જ પ્રાપ્ત થાય છે. પરિશ્રમની સાથે શ્રેષ્ઠ બુદ્ધિમત્તા, કુદરતની દયાથી પ્રાપ્ત થઇ હોય તો માનવી ઇલોન મસ્ક પણ બની શકે છે. દરેક જણ સરખાં પરિશ્રમો કરે તો પણ માંડ પેટ ભરાય એટલું પામે છે. આ થઇ મહેનતની બાબતમાં કુદરતની ભૂમિકાની વાત. આમ સાધારણ રીતે જે મહેનત કરે છે તેને સારાં પરિણામો અવશ્ય મળે છે.

વાસ્તવિકતા તરફ પાછા ફરીએ તો એલ. એન્ડ ટી.ના એક અધિકારીએ ખુલાસો કરવો પડયો કે શ્રી સુબ્રહ્મણિયમે એલ. એન્ડ ટી. ના સ્ટાફને કયારે સપ્તાહમાં 90 કલાક કામ કરવાની ફરજ પાડી નથી. હકીકતમાં શ્રી સુબ્રહ્મણ્યન એક દયાળુ અને મિલનસાર વ્યક્તિ છે. જો આવા અને બીજા સદ્દગુણો હોય તો જ વ્યક્તિ એલએન્ડ ટી જેવી જગવિખ્યાત અને ભારતના ઔદ્યોગિક ઘડતરમાં પ્રમુખ ફાળો આપતી કંપનીના ચેરમન બની શકે.

આ લખનારે મુંબઇની બેલાર્ડ પીઅર ખાતેની કંપનીની મુખ્ય ઓફિસમાં પૂર્વ ચેરમેન શ્રી અનિલ નાયક (મૂળ ગામ ચીખલી નજીકનું એંધલ)ને અષ્ટાવધાનીની માફક કામ કરતાં જોયા છે. શ્રી સુબ્રહ્મણિયન ઓફીસની એક આંતરિક બેઠકમાં આ મુજબ મંતવ્ય આપી રહ્યા હતા તેનો આજના ચકડોળે ચડેલા સમાજે અનર્થ કરી નાખ્યો. વાસ્તવમાં એ કઠોર પરિશ્રમનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા. એમણે હસવા હસવામાં કહ્યું કે રવિવાર પતિ-પત્ની એક બીજા સામે જોઇને કેટલો સમય બેસી શકે? આજની યુવાન પેઢીને આ ન ગમ્યું.

જો કે આ વાતનો જવાબ પતિ-પત્ની વચ્ચેના સંબંધો કેવા છે તેના પર અવલંબે છે. જો સંબંધો સારા હોય તો સપ્તાહમાં એક દિવસ ઘરે રહેવાથી પતિ કે પત્ની, બન્નેની કાર્યક્ષમતા સુધરે છે. માણસ સામાજિક પ્રાણી છે એટલે સમાજ સાથે એક દિવસ ગાળીને એ માનસિક રીતે ફ્રેશ થઇ જાય છે. આપણા સમાજમાં તો નોકરી કરતી સ્ત્રીઓને રવિવારની રજામાં ફુરસદ કે આરામ મળતાં નથી. એક દિવસ રજા રાખીને માત્ર ઘરમાં બેસી રહેવાનું નથી. પશ્ચિમના દેશોમાં પાંચ દિવસનું સપ્તાહ વરસોથી શરૂ કરાયું છે અને હવે સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ કામ કરવું એવી હિમાયત શરૂ થઇ છે.

કારણ કે ઘરગૃહસ્થીને લગતાં કામોની વણજાર હોય છે તે ધ્યાન આપવું પડે છે. બીજી તરફ જપાનમાં લોકો કામ જ કરતાં રહે છે અને ત્યાંના સમાજના આ વલણ સાથે ઘણાં લોકો તાલ મિલાવી શકતાં નથી અને આત્મહત્યા કરી નાખે છે. કામના દબાણને પહોંચી નહીં શકવાને કારણે દુનિયામાં આત્મહત્યાઓ થાય છે તેમાં જપાનનો પ્રથમ ક્રમ હશે. ઘણાને કુદરતે ઝડપથી કલાક સુધી કામ કરવાની શક્તિ આપી હોય છે અને ઘણાં ઓછું કામ કરીને થાકી જાય છે, કંટાળી જાય છે.

ઘણાને માટે કામ કરવાનાં માનસિક પ્રલોભનો હોય છે, તે દરેક માટે નથી હોતાં. તેઓને કામઢાંઓની માફક એક હદથી વધારે કામ કરવાની ફરજ પાડવી તે પણ એક પ્રકારની ક્રૂરતા છે. વર્ગમાં દરેક વિદ્યાર્થીઓ એકસરખા હોંશિયાર હોતાં નથી. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. માણસે પોતાની માનસિક અને શારીરિક શક્તિઓને ઉત્તમ રીતે ઉપયોગમાં મૂકી કામ કરવું જોઈએ. શ્રીકૃષ્ણે, માટે જ ફળની ચિંતા કરવાની ના કહી છે. આ વાક્યને સાવ સરળ ભાષામાં લેવાનું નથી. તેનો ગર્ભિત અર્થ એ છે કે તું ફળની ચિંતા ન કર, કારણ કે હું અહીં બેઠો છું. આ ભગવાન તરફથી મળેલી ગેરન્ટી છે.

આપણા માટે મહત્ત્વનો સવાલ એ છે કે આપણો સમાજ, આપણો દેશ અને સકલ સંસારને માટે આપણે ઉત્તમ અથવા ઉપયોગી કામો કેવી રીતે કરી શકીએ? આંકડાની રીતે જોઈએ તો આપણી પાસે ત્રણ અબજ (લગભગ) હાથ છે. છતાં આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ. ગેરશિસ્તમાં રહીને ટ્રાફિક જેમ કરી દઈએ છીએ. રસ્તાઓ વચ્ચે ટોળું વળીને ઊભા રહીએ. આવાં ન કરવાનાં કામોની યાદી લાંબી છે. એ બધાં અપકૃત્યો અથવા અકર્તવ્યો છે. પ્રથમ તો તેને ત્યાગવાં પડે. એ બધી ચીજો સમય અને નાણાંનો બેસુમાર બગાડ કરે છે. અપકર્તવ્યો ત્યજી કર્તવ્યોમાં આગળ વધવું પડશે. આપણે દુનિયાભરમાં ગાઈ વગાડીને કહીએ છીએ કે ભારત મહેનતુ લોકોનો દેશ છે.

તો પછી આટલી બધી ગરીબી, સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓ, ભ્રષ્ટાચાર, ગંદકી ભારતમાં સૌથી વધુ નથી તો પણ પ્રમાણ ઘણું ઊંચું છે, તેનું કારણ શું? શા માટે આપણાં સંતાનોએ વિદેશોમાં ભણવા જવું પડે છે? અને ત્યાં ગયા પછી પાછા શા માટે ફરતાં નથી? કામ કરવાની આપણી નિયત અથવા દાનતમાં ખોટ છે. રાષ્ટ્ર કે સમાજ માટે મહેનત, મજૂરી કે સેવા કરનારા અપવાદરૂપ છે. મોટા ભાગના સ્વાર્થ અને સ્વલાલચને પોષવા માટે કામ કરે છે. ભારતના આ યુવાનો જ વિદેશોમાં પહોંચી અનેક કંપનીઓના ટોચના હોદ્દાઓ શોભાવે છે. બુધ્ધિધનની કમી નથી, પણ બુધ્ધિ કોરાણે મૂકીને જીવતાં અને કામ કરતાં લોકો બુધ્ધિમાનો અને પરોપકારીઓ કરતાં અનેક ગણાં વધુ છે. ચલણમાં ખોટા સિક્કાઓ વધી જાય ત્યારે સાચા સિક્કાઓ ચલણમાંથી ફેંકાઈ જાય છે.

આપણે જે કંઇ કામ કરીએ છીએ તેમાં અમુક અપવાદો બાદ કરતાં કોઈને કશું નવું શોધવાની, નવી રીતે વધુ ક્ષમતાપૂર્વક કામ કરવાની ધગશ હોતી નથી. જે પશ્ચિમના સમાજને આપણે શોષક તરીકે ગાળો દઈએ છીએ એમણે છેલ્લાં અઢીસો વરસમાં જે શોધો કરી છે તેના વગર આપણને ચાલતું નથી. તમે શહેરોમાં વસતાં હો અને ઘરમાંની તમામ ચીજ સામગ્રીઓ પર નજર દોડાવો. તે ચીજ અથવા તેનું મટિરિયલ્સ પશ્ચિમનાં લોકોએ જ શોધ્યું હશે. છેલ્લાં બસ્સો વરસથી એશિયામાં કે આફ્રિકામાં એવી કોઈ ચીજો શોધાઈ નથી જે માનવજાત માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગી નિવડી હોય. હમણાંના સમયમાં બુધ્ધિ ખીલે એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને ચીન, જપાન અને ભારતમાં લોકોનાં વલણ સકારાત્મક દિશામાં બદલાઈ રહ્યાં છે, છતાં ભારતે કેટલા કલાક કામ કરવું? તેના બદલે જેટલા કલાક થઈ શકે એટલા કલાક ઉત્તમ રીતે કામ કરતાં શીખવાની જરૂર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સી (ડોજ) ખોલવાની અમેરિકા કરતાં ભારતને વધુ જરૂર છે.

ભારતના બુધ્ધિધને વિદેશોમાં જઈને ખૂબ અગત્યની શોધો કરી છે. તો ભારતમાં શા માટે નહીં? ચાલીસ વરસ પછી પણ તેજસ વિમાનનું નિર્માણ ખોરંભે પડ્યું છે. બીજી તરફ આપણું યાન ચન્દ્ર પર પણ પહોંચી ગયું છે. છૂટક છૂટક ઉત્તમ ઉદાહરણો મળે છે. ભારત અને બેંગલુરુમાં ખાસ ભારતમાં 120 યુનિકોર્ન કંપનીઓ (નવી ચીજ – સેવામાં સફળ થયેલી) રચાઈ છે. છતાં કારીગરી, કૌશલ્ય, સૌંદર્યબોધમાં આપણે પશ્ચિમની તો ઠીક, ચીન સામે પણ હરીફાઈ કરી શકતાં નથી. માટે કામમાં માત્ર કલાકો જ આપવા કરતાં કામમાં જેટલા કલાકો આપો તેમાં દિલ દેવાની જરૂર છે. કામમાં દિલ હશે તો મગજ પણ કામ કરશે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top