World

તાલિબાન અમેરિકાના જખમ પર મીઠું નહિ ભભરાવે: શપથવિધિ સમારંભ કાયમ માટે રદ

પેશાવર: અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારની શપથવિધિ માટેનો સમારંભ આજે ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાવાના હતો, પરંતુ તેમના કેટલાક સલાહકારો તરફથી તેમને સલાહ આપવામાં આવી હતી કે અમેરિકા પર આતંકવાદી હુમલાની વીસમી વરસીએ આ સમારંભ યોજવાથી નાહકનો વિવાદ સર્જાશે અને તે અમાનવીય પણ ગણાશે. આના પછી તાલિબાનોએ શપથવિધિ સમારંભ અન્ય કોઇ તારીખે યોજવાનું નક્કી કર્યું હતું, પણ હવે આજે એવું જણાવવામાં આવ્યું હતું કે આ શપથવિધિ સમારંભ કાયમ માટે રદ કરી નાખવામાં આવ્યો છે. એટલે તાલિબાન મંત્રીઓ કોઇ જાહેર શપથવિધિ સમારંભ યોજ્યા વિના જ પદારૂઢ થઇ જશે.

કેટલાક મીડિયા અહેવાલો મુજબ તાલિબાન સંગઠને શપથવિધિ સમારંભને રદ કરવા માટે નાણાની બરબાદીનું કારણ આપ્યું છે. તેઓ કહે છે કે અફઘાનિસ્તાન મુશ્કેલ આર્થિક સ્થિતિમાં છે અને આવી સ્થિતિમાં શપથવિધિ પાછળ નાણા બગાડવાનું પોસાય તેમ નથી. જો કે આ કારણ વિશ્લેષકોને ગળે ઉતરતું નથી. કેટલાક રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે રશિયાનું દબાણ હતું કે ૧૧ સપ્ટેમ્બરે શપથવિધિ સમારંભ રાખવામાં નહીં આવે. તાલિબાને પહેલા તો પોતાના શપથવિધિ સમારંભ માટે પાકિસ્તાન, ચીન, રશિયા અને ઇરાનના નેતાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ રશિયાએ જણાવી દીધું હતું કે જો ન્યૂયોર્ક પર હુમલાની વરસીના દિવસે શપથવિધિ સમારંભ યોજવામાં આવશે તો પોતાને ત્યાંથી કોઇ શપથવિધિમાં નહીં આવે, કારણ કે આ દિવસે યોજાયેલા શપથવિધિ સમારંભમાં હાજર રહીને રશિયા દેખીતી રીતે પોતાની છાપ બગાડવા માગતું ન હતું.

બીજી બાજુ, કેટલાક અતિ કટ્ટર નેતાઓ ૯/૧૧ના હુમલાની વીસમી વરસીના દિવસે જ શપથવિધિ સમારંભ યોજીને અમેરિકાનું નાક કાપવા માટે તલપાપડ હતા, આ બધી બાબતોના કારણે તાલિબાન સંગઠનમાં અને સરકારમાં શપથવિધિ સમારંભ અંગે ગંભીર મતભેદો ઉભા થઇ ગયા હતા અને આને કારણે તાલિબાને છેવટે પૈસાની બરબાદીનું કારણ આપીને શપથવિધિ સમારંભ જ સમૂળગો રદ કરી નાખ્યો હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top