Editorial

મણીપુરની આગને ગંભીરતાથી લઇને સરકારે તેને કોઇપણ રસ્તો કાઢી તાત્કાલિક ઓલવી દેવી જોઇએ

મણિપુરમાં જે હિંસા ચાલી રહી છે તે આજની નથી અનેક વર્ષોથી આ પ્રદેશ હિંસાની આગમાં લપેટાઇ રહ્યો છે અને આ આગને સરકારે તાત્કાલિક ઓલવી જોઇએ કારણે કે આ સમસ્યા દેશની અખંડ રાખવા માટે ખૂબ જરૂરી છે. પશ્વિમ બંગાળના રેપ કાંડ અને ચૂંટણી દરમિયાન થતી હિંસા જમ્મુ કાશ્મીરના અલગાવવાદી અને આતંકવાદી, મહારાષ્ટ્રના બદલાપુર જેવી ઘટનાઓ બાદ ફાટી નીકળતો લોકોનો આક્રોશ, કાશી અને મથુરામાં ચાલી રહેલો જમીની માલિકીનો વિવાદ આ બધા કરતાં આ પ્રશ્ન જુદો છે અને હિંસક તો છે જ પરંતુ સાથે સાથે ગંભીર પણ છે. કારણ કે, અહીં બોમ્બ ફૂટે છે, વસ્તીની વસ્તી સળગાવી દેવામાં આવે છે એતો ઠીક પરંતુ હવે તો અહીં ડ્રોનથી હુમલા પણ થવા લાગ્યા છે.

મણિપુરમાં શનિવારે (7 સપ્ટેમ્બર) ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જિરીબામ જિલ્લામાં આજે સવારે હુમલાખોરોએ એક વૃદ્ધને ઊંઘમાં જ માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જિરીબામના પહાડી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ, મોડી રાત્રે ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વમાં મણિપુર રાઇફલ્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો. રોષે ભરાયેલ ટોળું સુરક્ષા દળો પાસેથી હથિયારો છીનવી લેવા માંગતું હતું. પોલીસે CRPF જવાનો સાથે મળીને જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે પેલેટ ગનમાંથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મોક બોમ્બ અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો અને ટોળા વચ્ચે આખી રાત સંઘર્ષ ચાલુ રહ્યો હતો. જેમાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર છે. તેમને JNIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી હથિયારો કે દારૂગોળો લૂંટાયાની કોઈ પુષ્ટિ થઈ નથી. જો કે બંને સ્થળોએ થયેલી હિંસામાં મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. રાજ્યમાં તણાવને જોતા તમામ સ્કૂલો-કોલેજો બંધ રાખવામાં આવી છે. મણિપુર અખંડિતતા પરની સમિતિ (COCOMI) એ કાયદો અને વ્યવસ્થા લાગુ કરવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં કામકાજ બંધ રાખવા અને જાહેર કર્ફ્યુની હાકલ કરી છે. સવારથી ઇમ્ફાલમાં તમામ દુકાનો બંધ છે. રસ્તાઓ અને બજારો સુમસાન બન્યા છે. મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના મોઈરાંગમાં શુક્રવારે (6 સપ્ટેમ્બર)ના રોજ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમ કોઈરેંગના ઘર પર હુમલો થયો હતો. કુકી આતંકવાદીઓએ બપોરે 3 વાગ્યે પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ બોમ્બ ફેંક્યો હતો. આ હુમલામાં એક વૃદ્ધનું મોત થયું હતું, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા.

કોંગ્રેસના નેતા મેરેમ્બમ કોઈરેંગ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેઓ 1963 થી 1967 સુધી મણિપુરના મુખ્યમંત્રી હતા, 1967માં 200 દિવસ અને 1968માં ત્રણ વખત. 27 ડિસેમ્બર 1994ના રોજ તેમનું નિધન થયું હતું. આ ઘટનાના થોડા કલાકો પહેલા મોઇરાંગથી 4 કિમી દૂર ત્રોંગલાઓબી વિસ્તારમાં રોકેટ બોમ્બ હુમલો થયો હતો. જેમાં બે ઈમારતોને નુકસાન થયું હતું. મોઇરાંગમાં આ પ્રથમ વખત પિસ્તોલ-બોમ્બથી હુમલો થયો છે.

એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા દરમિયાન મણિપુરમાં સપ્ટેમ્બર 2024માં પ્રથમ વખત ડ્રોન હુમલો થયો હતો. 1 સપ્ટેમ્બરના રોજ, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કોટરુક ગામમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 લોકો માર્યા ગયા હતા અને 9 ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહાડીના ઉપરના વિસ્તારોમાંથી ગોળીબાર કર્યો અને કોટ્રુક અને કડાંગબાંડ ઘાટીના નીચલા વિસ્તારોમાં ડ્રોન હુમલો કર્યો હતો.

આ પછી, 3 સપ્ટેમ્બરે, આતંકવાદીઓએ ઇમ્ફાલના સેજમ ચિરાંગ ગામમાં ફરીથી ડ્રોન હુમલો કર્યો, જેમાં એક મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા. એવી આશંકા છે કે કુકી આતંકવાદીઓને ડ્રોન યુદ્ધ માટે મ્યાનમાર પાસેથી તકનીકી સહાય અને ટ્રેનિંગ મળી રહી છે. મણિપુર સરકારે આ ડ્રોન હુમલાઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

આજે મણિપુર બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. મૈતેઈ લોકો ઇમ્ફાલ ખીણ વિસ્તારમાં રહે છે અને કુકીઓ આસપાસના પહાડી વિસ્તારોમાં વસવાટ કરે છે. સલામતી દળો દ્વારા સંરક્ષિત બોર્ડર્સ અને બફર ઝોન બન્ને ક્ષેત્રને અલગ પાડે છે. અનેક સ્થાનિક લોકોએ પોતપોતાનાં ગામોને ઘૂસણખોરોથી બચાવવા માટે સ્વેચ્છાએ હથિયાર ઉઠાવ્યાં છે. એ પૈકીના કેટલાંક સશસ્ત્ર દળો પાસેથી ચોરવામાં આવેલાં છે અને કેટલાંક દેશી હથિયાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ સમુદાયો વચ્ચે શાંતિ વાટાઘાટો યોજીને સંઘર્ષને સમાપ્ત કરવાના કેટલાક પ્રયાસો કર્યા છે, પરંતુ સ્થાનિકો કહે છે કે તે પૂરતા નથી. એક જિલ્લામાં તાજેતરમાં એક શાંતિ કરાર કરવામાં આવ્યો હતો, પણ તે એક જ દિવસ ટક્યો હતો. બન્ને સમુદાયો વચ્ચેનો અવિશ્વાસ યથાવત છે અને સલામતી રક્ષકોની હત્યા સહિતની હિંસાની ઘટનાઓ નિયમિતપણે નોંધાતી રહે છે.

Most Popular

To Top