ગાંધીનગર: રાજયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કડક વલણ અપનાવતા ડે સીએમ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુનેગારો સામે એવી કડક હાથે કાર્યવાહી કરે કે તેમના પગ ધ્રુજી જાય. ગુનેગારોના પગ ધ્રુજે અને ચાલ બદલાઈ જાય એમાં કંઈ ખોટુ નથી. સામાન્ય નાગરિકને ડર નહીં પણ ગુનેગારને ડર રહેવું જોઈએ. ગુનેગારો સામે હજુ મજબુતાઇથી અને કડકાઈથી કામ કરવું પડશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સંઘવીએ એડીઆર-શિલ્ડ પ્રોજેક્ટની પ્રશંસા કરતાં સંઘવીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકનો ડેટા એક પોર્ટલ પર આવશે, જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે. અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે, એવું તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મીઓના ડેટા માટે એચઆરએમએસની પહેલને તેમણે બિરદાવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પોલીસે સાયબર ક્રાઈમમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે: હર્ષ સંઘવી
સંઘવીએ સાયબર ક્રાઇમ અંગે ગુજરાત પોલીસની કામગીરીની વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એક જ દિવસમાં આપણે સાઇબર ગઠિયાઓ પાસેથી રૂ. 33 કરોડ પાછા મેળવી શક્યા છીએ. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા, જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાઇબર ગઠિયાઓથી બચાવ લેવાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું. સાઇબર ક્રાઇમના અપરાધીઓ જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એવું જણાવીને સંઘવીએ ઉમેર્યું હતું કે ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યૂલ શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયંન અને માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે, એવું તેમણે ઉમેર્યું હતું.