Editorial

જાપાનમાં તાકાઇચીનો વિજય: પેસેફિક ક્ષેત્રમાં તનાવ વધી શકે

જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચીના ગઠબંધને રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. આ વિજય સાથે જ તેમના દ્વારા વચન આપવામાં આવેલા કર કપાત  અને ચીનનો સામનો કરવા માટે સૈન્ય ખર્ચ વધારવાના નિર્ણયોનો માર્ગ મોકળો થયો છે, જોકે આ કર કપાતના વચને નાણાકીય બજારોમાં ચિંતા જગાવી છે. બીજી બાજુ, તેમના વધુ પડતા રાષ્ટ્રવાદી અભિગમ અને તાઇવાન તરફના ઝુકાવ તથા ચીન તરફની કડક નીતિ પેસેફિક ક્ષેત્રમાં તનાવને વધુ વધારી શકે છે.

રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા તાકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેઓ બ્રિટનના આયર્ન લેડી માર્ગારેટ થેચરથી પ્રેરિત હોવાનું જણાવે છે. મતદાન પૂર્ણ થયાના બે કલાકથી પણ ઓછા સમયમાં LDPએ બહુમતી માટે જરૂરી 233 બેઠકોનો આંકડો પાર કરી લીધો હતો, જે પક્ષ માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ પરિણામોમાંનું એક છે. તેમના ગઠબંધન ભાગીદાર ‘જાપાન ઇનોવેશન પાર્ટી’ (ઇશિન) સાથે મળીને હવે તાકાઈચી પાસે બે તૃતીયાંશ બેઠકોની ‘સુપરમેજોરિટી’ છે.

આનાથી તેમને કાયદાકીય એજન્ડા અમલમાં મૂકવામાં સરળતા રહેશે, કારણ કે તેઓ હવે ઉપલા ગૃહ (જે તેમના નિયંત્રણમાં નથી) ના નિર્ણયોને પણ ફગાવી શકશે. ચૂંટણીના પરિણામો આવતા હતા ત્યારે તાકાઈચીએ એક ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી આર્થિક અને રાજકોષીય નીતિ તેમજ સુરક્ષા નીતિમાં મોટા ફેરફારો લાવનારી હતી. આ એવી નીતિઓ છે જેનો ભારે વિરોધ થયો હતો. જો અમને જનતાનું સમર્થન મળ્યું છે, તો અમારે પૂરી શક્તિ સાથે આ મુદ્દાઓ પર કામ કરવું પડશે. 64 વર્ષીય તાકાઈચીએ ગયા વર્ષે LDPના નેતા બન્યા બાદ પોતાની લોકપ્રિયતાનો લાભ લેવા માટે આ શિયાળુ ચૂંટણી વહેલી યોજી નાખી હતી.

મતદારો તેમની સ્પષ્ટવક્તા અને મહેનતુ છબી તરફ આકર્ષાયા છે, પરંતુ તેમના રાષ્ટ્રવાદી વલણ અને સુરક્ષા પરના ભારને કારણે પડોશી દેશ ચીન સાથેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. બીજી તરફ, કર કપાતના વચને રોકાણકારોને ચિંતિત કર્યા છે કારણ કે જાપાન પર પહેલેથી જ મોટું દેવું છે. તાકાઈચીએ રવિવારે કહ્યું હતું કે તેઓ રાજકોષીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરીને વેચાણ વેરા (સેલ્સ ટેક્સ) માં ઘટાડો કરવાની પ્રક્રિયાને વેગ આપશે. વ્યાપારી સંગઠન ‘કેદાનરેન’ ના વડા યોશિનોબુ સુત્સુઈએ તાકાઈચીની જીતને આવકારી છે.

LDP, જેણે લગભગ સમગ્ર યુદ્ધ પછીના ઇતિહાસમાં જાપાન પર શાસન કર્યું છે, તેણે તાકાઈચીના પુરોગામી શિગેરુ ઈશિબાના નેતૃત્વમાં છેલ્લા 15 મહિનામાં બંને ગૃહો પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. પરંતુ તાકાઈચીએ યુવા મતદારોમાં લોકપ્રિયતા મેળવીને પક્ષની કિસ્મત બદલી નાખી છે. જાપાનમાં અત્યારે સનાકાત્સુ (સનાએ-મેનિયા) નો ક્રેઝ છે, જેમાં તેમની હેન્ડબેગ અને પેન જેવી ચીજોની ભારે માંગ છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તાકાઈચીને ટેકો આપ્યો છે અને આવતા મહિને તેમને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે.

જો કે, ચીન આ પરિણામોને ગંભીરતાથી જોઈ રહ્યું છે. તાકાઈચીએ પદ સંભાળ્યાના થોડા જ અઠવાડિયામાં તાઈવાન પર ચીની હુમલાના જવાબમાં જાપાનની ભૂમિકા વિશે નિવેદન આપીને વિવાદ છેડ્યો હતો. તાકાઈચીના મજબૂત જનાદેશથી જાપાનની સંરક્ષણ ક્ષમતા વધારવાની તેમની યોજનાઓને વેગ મળી શકે છે, જેનાથી બેઇજિંગ વધુ નારાજ થવાની શક્યતા છે. ચીન તેમને જાપાનના સૈન્યવાદી ભૂતકાળને જીવંત કરવાના પ્રયાસ તરીકે જુએ છે.

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા તરફથી ઉપરા છાપરી બે અણુબોમ્બનો માર સહન કર્યા બાદ જાપાન લશ્કરી દષ્ટિએ ઘણુ નિષ્ક્રિય થઇ ગયું હતું અને પોતાની છાપ એક શાંતિ તરફી દેશ તરીકે વિકસાવી હતી. બાદમાં તે અમેરિકાના જ એક મિત્ર દેશ તરીકે ઉભર્યો હતો અને અત્યાર સુધી અમેરિકાનો મિત્ર દેશ રહ્યો છે. જો કે લશ્કરી દષ્ટિએ તે ઘણુ સૌમ્ય થઇ ગયું હતું પણ હવે ફરીથી તે લશ્કરી ગતિવિધિઓ વધારી શકે છે અને આનાથી કેટલાક સમીકરણો બદલાઇ શકે છે. 

Most Popular

To Top