નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024ની (T20 World Cup 2024) ટીમો ઉપર આખા વિશ્વની નજર છે. આ વર્ષે વર્લ્ડ કપ જૂનમાં રમાશે. ત્યારે વર્લ્ડ કપ માટે ટીમોની (Team) જાહેરાત પણ થવા લાગી છે. પહેલા ન્યુઝીલેન્ડે પોતાની ટીમની જાહેરાત (Announcement) કરી હતી, ત્યારબાદ આજથી થોડા સમય પહેલા દક્ષિણ આફ્રિકાએ પણ પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. આ પછી હવે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી હતી.
ICCએ વર્લ્ડ કપની ટીમોની જાહેરાત માટેની છેલ્લી તારીખ 1 મે નક્કી કરી છે. જોકે, બાદમાં ટીમો ઈચ્છે તો આ ટીમ મેમ્બર્સમાં કેટલાક ફેરફાર કરી શકે છે. હવે આ વર્ષે વર્લ્ડ કપમાં પણ જોસ બટલર ઇંગ્લેન્ડની ટીમની કમાન સંભાળતા જોવા મળશે. તેમજ આ વર્લ્ડ કપ જોફ્રા આર્ચર પણ લાંબા સમય બાદ રમતા જોવા મળશે.
વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સામે ટી-20 સિરીઝ રમાશે
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્લ્ડ કપ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે, તે પાકિસ્તાન સામેની સીરિઝનો પણ ભાગ હશે. આ શ્રેણીમાં ચાર મેચ રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર તેની જમણી કોણીની ઈજામાંથી સાજા થઈ ગયા છે અને તેમને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પહેલા જોફ્રા આર્ચરે માર્ચ 2023માં બાંગ્લાદેશ સામે તેમની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટોમ હાર્ટલી અને વિલ જેકને ટીમમાં એવા ખેલાડીઓ તરીકે સામેલ કરવામાં આવ્યા છે જેમણે અગાઉ કોઈપણ ICC વર્લ્ડ ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. હવે તેમને તક આપવામાં આવી રહી છે.
આઈપીએલ પહેલા ખેલાડીઓ જઈ શકે છે
બીજી બાજુ એવી પણ વિગતો મળી છે કે જે ખેલાડીઓને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે અને IPL પણ રમી રહ્યા છે તેઓ પહેલાથી જ તેમના દેશ પરત ફરશે. આ T20 શ્રેણી 22 મેથી હેડિંગ્લે ખાતે શરૂ થશે. બુધવાર 4 જૂને, ઇંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ મેચ સ્કોટલેન્ડ સામે કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમતી જોવા મળશે. તેમજ વર્લ્ડ કપ માટે ટીમ 31 મેના રોજ કેરેબિયન જશે.
T20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની ટીમ:
જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, હેરી બ્રૂક, સેમ કુરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ , રીસ ટોપલી, માર્ક વુડ.