ટી20 વર્લ્ડ કપ 2026ની 51મી મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જ્યાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે. મહત્વપૂર્ણ મુકાબલામાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝા એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેમની ટીમે 7 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા છે. હવે દક્ષિણ આફ્રિકાને જીત માટે 154 રનની જરૂર છે. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની શરૂઆત મજબૂત રહી નહોતી. પાવરપ્લે દરમિયાન જ ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત સામે સારો દેખાવ કરનાર બ્રાયન બેનેટ આ વખતે મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. શરૂઆતના ઝટકાઓમાંથી ટીમ બહાર આવી શકી નહોતી અને 87 રન સુધી પહોંચતા 5 વિકેટ પડી ગઈ હતી.
આ સંજોગોમાં કેપ્ટન રઝાએ જવાબદારી સંભાળી અને ટીમને સંભાળીને આગળ વધાર્યું. તેણે 43 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 73 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જે ટીમ માટે કી ભૂમિકા સાબિત થઈ. તેમના પ્રદર્શનને કારણે ઝિમ્બાબ્વે સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું. ક્લાઇવ મદાન્ડેએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા 20 બોલમાં અણનમ 26 રન નોંધાવ્યા. દક્ષિણ આફ્રિકાની બોલિંગ તરફથી ક્વેના મ્ફાકા અને કોર્બિન બોશે 2-2 વિકેટ ઝડપી, જ્યારે જ્યોર્જ લિન્ડે, લુંગી ન્ગીડી અને એનરિચ નોર્ટજેને 1-1 સફળતા મળી. સુપર 8 તબક્કાની આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્લેઇંગ ઇલેવનમાં 3 ફેરફારો કર્યા છે, જેમાં ક્વેના મ્ફાકા, એનરિચ નોર્ટજે અને જ્યોર્જ લિન્ડેનો સમાવેશ થાય છે. બીજી તરફ ઝિમ્બાબ્વે ઈજાગ્રસ્ત રિચાર્ડ નગારવાની સેવા વિના મેદાનમાં ઉતર્યું છે. હવે જોવાનું રહ્યું કે દક્ષિણ આફ્રિકા 154 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને સુપર 8માં પોતાની સ્થિતિ મજબૂત કરે છે કે નહીં.