ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાન સામે જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતીય ટીમનું પ્રદર્શન એકતરફી રહ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 175 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ પૂરા 20 ઓવર પણ રમી શકી નહોતી અને 18 ઓવરમાં જ 114 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતે પાકિસ્તાનને 61 રને હરાવી ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. આ જીત સાથે ભારતીય ટીમ ગ્રુપમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે અને સુપર-8માં પ્રવેશ લગભગ નિશ્ચિત કરી લીધો છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ વોલ્ટેજ મેચ બાદ પોઇન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં ટીમે સતત જીત સાથે મહત્ત્વના પોઇન્ટ્સ મેળવ્યા છે અને નેટ રન રેટ પણ સુધાર્યો છે.
પોઇન્ટ ટેબલ મુજબ ભારત ત્રણ મેચમાં ત્રણ જીત સાથે ટોચ પર છે. બીજી બાજુ, પાકિસ્તાન માટે સ્થિતિ થોડું મુશ્કેલ બની ગઈ છે. ટીમે કેટલીક જીત મેળવી હોવા છતાં ભારત સામેની મોટી હારને કારણે નેટ રન રેટ પર અસર પડી છે. હવે પાકિસ્તાન માટે આગળની મેચ ‘કરો કે મરો’ જેવી બની ગઈ છે. સુપર-8માં સ્થાન મેળવવા માટે તેમને બાકીની મેચોમાં જીત જરૂરી રહેશે.આ ગ્રુપમાં અન્ય ટીમો પણ કટોકટીની ટક્કર આપી રહી છે, જેના કારણે પોઇન્ટ ટેબલ સતત બદલાઈ રહી છે. દરેક મેચ પછી ક્રમમાં ફેરફાર થવાની શક્યતા છે. ભારત માટે આ જીત આત્મવિશ્વાસ વધારનારી સાબિત થઈ છે, જ્યારે પાકિસ્તાન માટે હવે આગળની મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવું જરૂરી બન્યું છે. ટુર્નામેન્ટ આગળ વધતા સ્પર્ધા વધુ રોમાંચક બનશે એમાં કોઈ શંકા નથી.