2026નો T20 વર્લ્ડ કપ હવે ગણતરીના દિવસો દૂર છે. આવતી 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ મેગા ટૂર્નામેન્ટને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારત આવીને પોતાની મેચ રમશે કે નહીં તે મુદ્દે હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે. સુરક્ષા ચિંતાઓને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતમાં રમવા ઇનકાર કર્યો છે અને ICCને પત્ર લખીને તેમની મેચો શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી છે.
તેમ છતાં અહેવાલો મુજબ બાંગ્લાદેશની મેચો શ્રીલંકામાં યોજાય તેવી શક્યતા ઘણી ઓછી છે. BCCI અને ICC મળીને ભારતના જ અન્ય સુરક્ષિત સ્થળોની શોધ કરી રહ્યા છે. Cricbuzz ના અહેવાલ અનુસાર ICC અને BCCI એ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) અને કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) સાથે ચર્ચા કરી છે.
આ ચર્ચા બાદ બાંગ્લાદેશની મેચો ચેન્નાઈ અને તિરુવનંતપુરમ ખાતે યોજવાની શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બંને રાજ્ય ક્રિકેટ સંસ્થાઓએ મેચોના આયોજન માટે તૈયારી દર્શાવી છે. ICC અધિકારીઓએ TNCA અને KCA ના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હોવાનો અહેવાલ છે.
ચેન્નાઈના ઐતિહાસિક ચેપોક સ્ટેડિયમમાં પહેલાથી જ કુલ સાત મેચોનું આયોજન છે. જેમાં સંભવિત ભારત-ઓસ્ટ્રેલિયા સુપર-8 મેચ પણ સામેલ છે. TNCA એ જણાવ્યું છે કે સ્ટેડિયમમાં કુલ આઠ પિચો ઉપલબ્ધ હોવાથી વધારાની મેચો યોજવામાં કોઈ અડચણ નહીં આવે.
2026 T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશને ગ્રુપ C માં સ્થાન મળ્યું છે. હાલના શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશ પોતાની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમશે. ત્યારબાદ 9 અને 14 ફેબ્રુઆરીએ ઇટાલી અને ઇંગ્લેન્ડ સામે પણ કોલકાતામાં મેચો યોજાવાની છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે નેપાળ સામે રાખવામાં આવી છે.
હાલ આ શેડ્યૂલમાં ફેરફાર થવાની શક્યતા છે અને બાંગ્લાદેશની મેચોના નવા સ્થળ અંગે આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.