Sports

T-20 WORLD CUP: ટી-20 વર્લ્ડકપ UAE ખસેડવામાં આવ્યો, 17 ઓક્ટોબરથી પ્રારંભ!

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી મેચ યુએઇમાં ખસેડવામાં આવ્યા પછી હવે ટી-20 વર્લ્ડકપ (T-20 WORLD CUP) પણ ભારત બહાર યુએઇ (UAE) અને ઓમાનમાં ખસેડવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ટી-20 વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઇ અને ઓમાન (OMAN)માં કરવામાં આવશે અને તેની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. એ નોંધ લેવા જેવી વાત છે કે આઇપીએલની બાકી બચેલી મેચ યુએઇમાં 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થશે અને તેની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે અને તેના બે દિવસ પછી જ ટી-20 વર્લ્ડકપ યૂએઇમાં શરૂ થવાના અહેવાલો આવી રહ્યા છે.

આમ તો જો કે BCCIએ સત્તાવાર રીતે આઇસીસીને ટી-20 વર્લ્ડકપ યૂએઇમાં સ્થળાંતર કરવા માટે લેખિતમાં કંઇ કહ્યું નથી પણ ક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર કોરોનાની સ્થિતિને ધ્યાને લઇને આ નિર્ણય કરી દેવાયો છે. હાલની યોજના અનુસાર ટી-20 વર્લ્ડકપના પહેલા રાઉન્ડને બે જૂથમાં વહેચાશે અને તે યૂએઇ તેમજ ઓમાનમાં રમાશે. અહેવાલ અનુસાર રાઉન્ડ 1માં 8 ટીમો વચ્ચે 12 મેચ રમાશે. 8માંથી 4 ટીમ સુપર 12 માટે ક્વોલિફાઇ થશે. સુપર 12 માટે બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યુ ગિનીની ટીમો એકબીજા સામે રમશે. સુપર 12 રાઉન્ડમાં કુલ 30 મેચ રમાશે. આ રાઉન્ડની શરૂઆત 14 ઓક્ટોબરથી થશે. સુપર 12 રાઉન્ડમાં 6-6 ટીમના બે ગ્રુપ હશે અને તેની તમામ મેચ યુએઇમાં રમાશે. સુપર 12 પછી 3 પ્લેઓફ, 2 સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.

બીસીસીઆઇએ આયોજનપૂર્વક ટી-20 વર્લ્ડકપ યૂએઇમાં ખસેડવાનો નિર્ણય કર્યાની ચર્ચા
બીસીસીઆઇએ આઇપીએલની બાકી બચેલી મેચ યૂએઇમાં ખસેડી તે પછી ઘણાં દેશો પોતાના ક્રિકેટરોને તેમાં મોકલવા માટે તૈયાર નહોતા અને તેને પગલે બીસીસીઆઇ દ્વારા આયોજનપૂર્વક ટી-20 વર્લ્ડકપ યૂએઇમાં ખસેડીને એક કાંકરે બે પક્ષી મારવાનું આયોજન કર્યું છે. હવે જ્યારે આઇપીએલ પૂરી થયાના બે દિવસ પછી જ યૂએઇમાં ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો હોય ત્યારે મોટાભાગના દેશ પોતાના ખેલાડીઓને નાની સીરિઝમાં રમાડવાના સ્થાને યૂએઇની સ્થિતિમાં પોતાને ઢાળવા માટે આઇપીએલમાં રમવા મોકલી શકે છે. આમ આઇપીએલમાં વિદેશી ખેલાડીઓના રમવા બાબતે સેવાતી શંકાઓ બીસીસીઆઇના આ એક નિર્ણયથી નિર્મૂળ થઇ જશે.

Most Popular

To Top