વૃંદાવનમાં વધતા વાંદરાઓના ત્રાસ વચ્ચે Droupadi Murmuની આવનારી મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્રે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 19 માર્ચથી શરૂ થનારી ત્રણ દિવસીય મુલાકાત પહેલાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે અનોખો ઉપાય અપનાવવામાં આવ્યો છે. વૃંદાવન વિસ્તારમાં વાંદરાઓ દ્વારા પ્રવાસીઓના ચશ્મા ઝૂંટવી લેવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાને કાબૂમાં લેવા માટે પ્રશાસને આ વખતે લંગૂરના કટઆઉટ (પુતળા) લગાવવાનો નિર્ણય લીધો છે. વન્યજીવ સંરક્ષણ કાયદાઓને કારણે અસલી લંગૂરનો ઉપયોગ શક્ય ન હોવાથી, આ વિકલ્પ અપનાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિના કાર્યક્રમ અનુસાર તેઓ ઉડિયા બાબા આશ્રમ અને રામકૃષ્ણ મિશન હોસ્પિટલની મુલાકાત લેશે, તેમજ 21 માર્ચે ગોવર્ધન પરિક્રમામાં પણ ભાગ લેવાની સંભાવના છે. તેમના પ્રવાસ દરમિયાન કોઈ વિઘ્ન ન સર્જાય તે માટે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક બની છે. આ માટે વન વિભાગની 30 સભ્યોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે ગુલેલ, લાઠી અને લેસર લાઈટ જેવા સાધનો વડે વાંદરાઓ પર નજર રાખશે. અગાઉ આવા પ્રસંગોએ તાલીમબદ્ધ લંગૂરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હાલ કાયદાકીય મર્યાદાઓને કારણે માત્ર કટઆઉટ દ્વારા જ વાંદરાઓને દૂર રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વહીવટીતંત્રને આશા છે કે આ નવી રીતથી વાંદરાઓનો ત્રાસ ઘટશે અને રાષ્ટ્રપતિની મુલાકાત નિર્વિઘ્ન રીતે પૂર્ણ થશે