લુસેલ : ફિફા વર્લ્ડકપમાં (FIFA Worldcup) મંગળવારે રાત્રે રમાયેલી અંતિમ 16ની છેલ્લી મેચમાં ક્રિસ્ટીયાનો રોનલ્ડો વગર મેદાને ઉતરેલી પોર્ટુગલની (Portugal) ટીમે રોનાલ્ડોના સ્થાને ટીમમાં સમાવાયેલા ગોન્ઝાલો રામોસની હેટ્રિકની મદદથી સ્વિટ્ઝરલેન્ડને (Switzerland) 6-1થી હરાવીને 16 વર્ષ પછી ફૂટબોલના મહાકુંભની ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજીવાર પ્રવેશ કર્યો હતો. આ પહેલા પોર્ટુગલ 1966 અને 2006માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું હતુ. હવે તે શનિવારે મોરોક્કો સામે બાથ ભીડશે. પોર્ટુગલ તરફથી ગોન્ઝાલો રામોસે હેટ્રિક ફટકારી હતી જ્યારે પેપે, રાફેલ ગુરેરો અને રાફેલ લુએ એક-એક ગોલ કર્યો હતો. સ્વિટ્ઝરલેન્ડ વતી એકમાત્ર ગોલ મેનુઅલ અકાનજીએ કર્યો હતો.
- રોનાલ્ડોના સ્થાને સમાવાયેલા રામોસે હેટ્રિક ફટકારી પોર્ટુગલની 6-1ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી
- અંતિમ 20 મિનીટ માટે સબસ્ટીટ્યૂટ તરીકે મેદાનમાં ઉતરેલા રોનાલ્ડોએ ગોલ તો કર્યો પણ તે ઓફસાઇડ જાહેર થયો
- સ્વિટ્ઝરલેન્ડ વતી એકમાત્ર ગોલ મેનુઅલ અકાનજીએ કર્યો
- રામોસે બીજા હાફમાં 51મી મિનીટે ગોલ કરીને ટીમની સરસાઇ 3-0 કરી દીધી તેમજ 67મી મિનીટમાં ગોલ કરીને પોતાની હેટ્રિક પુરી કરી
- રોનાલ્ડો અંતિમ 20 મિનીટમાં મેદાનમાં સબસ્ટીટ્યૂટ તરીકે આવ્યો હતો અને તેણે ગોલ કર્યો પણ તે ઓફસાઇડ જાહેર થયો
પહેલા હાફમાં જ પોર્ટુગલ વતી રામોસે 17મી મિનીટમાં અને પેપેએ 33મી મિનીટે ગોલ કરીને ટીમને 2-0ની સરસાઇ અપાવી દીધી હતી. તે પછી રામોસે બીજા હાફમાં 51મી મિનીટે ગોલ કરીને ટીમની સરસાઇ 3-0 કરી દીધી હતી. તે પછી રાફેયેલ ગુએઇરોએ 55મી મિનીટમાં ગોલ કરતાં સ્કોર 4-0 થયો હતો. તે પછી 58મી મિનીટમાં સ્વિટ્ઝરલેન્ડ વતી અકાનજીએ ગોલ કર્યો હતો. રામોસે 67મી મિનીટમાં ગોલ કરીને પોતાની હેટ્રિક પુરી કરી હતી અને તે પછી નિર્ધારિત સમય પછીના સ્ટોપેજ ટાઇમમાં રફાએલ લેઆઓએ ગોલ કરતાં પોર્ટુગલ 6-1થી જીત્યું હતું. રોનાલ્ડો અંતિમ 20 મિનીટમાં મેદાનમાં સબસ્ટીટ્યૂટ તરીકે આવ્યો હતો અને તેણે ગોલ કર્યો પણ તે ઓફસાઇડ જાહેર થયો હતો.