સુરતીઓની પસંદગીની જગ્યા એવો સુરત (Surat)નો ડુમસ બીચ (Dumas beach) હરવા ફરવા માટે જાણીતો છે. સાથે જ સામાન્ય દિવસોમાં તો બીચ પર સુરતીઓની અવર જવર ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ હાલમાં આ બીચ કોરોનાના કારણે સહેલાણીઓ (Tourist) માટે બંધ રાખવામાં આવ્યો છે.
કોરોના સમયગાળા દરમિયાન લોકોના ટોળા ઉમટી પડતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી ડુમસ બીચ અવાર-નવાર બંધ રાખવામાં આવ્યો છે. તેવામાં ડુમસ બીચ પર દરિયામાં વચ્ચો વચ્ચ તરી રહેલી કાળા રંગની ઇનોવા કારે લોકોમાં કુતુહલ ઉભું કર્યું છે. કારણ કે જયારે બીચ કોરોનાના કારણે સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે ત્યારે ડુમસના દરિયાના પાણીમાં તરી રહેલી આ કાર અહીં પહોંચી કેવી રીતે એ અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
છેલ્લા ઘણા દિવસોથી ડુમસ બીચની વચ્ચે તરી રહેલી આ ઇનોવા કાર કોની છે તેની જાણકારી મળી રહી નથી. જીજે05-જેસી-9985 નંબરની આ કાળા રંગની ઇનોવા ગાડી ઘણા દિવસોથી તરી રહી છે. અને જેને કારણે અહિં આસપાસના લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો ડુમસ પોલીસ કારનો કબજો મેળવીને આ ગાડી નંબરના આધારે વાહન માલિકનો પત્તો મેળવે તો માહિતી બહાર આવી શકે તેમ છે. અને આ ગાડી ડુમસ બીચની વચ્ચે કેવી રીતે આવી તેના પણ રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે છે. જો કે એવું નહિ થતા આખરે કોઈક સ્થાનીકે આ વિડીયો વહેતો કર્યો છે જેથી આ ગાડીની તપાસ સઘન બનાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના જાણીતા ડુમસ બીચ પર તરતી હાલતમાં જોવા મળતી આ કારનો આગળનો કાચ તુટેલો છે. એટલું જ નહિ કારનો ઉપરનો ભાગ છુંદાઇ ગયેલો જોવા મળી રહ્યો છે. જેને કારણે કારનો અકસ્માત થયો હોવાનું પણ પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યુ છે. જો કે સમગ્ર મામલે જો પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઇ થકે તેમ છે.