નવી દિલ્હી: એક પછી એક તમામ જાણીતી કંપનીઓમાં (Company) છટણીનો (Retrenchment) દોર શરૂ થયો છે. એક પછી એક તમામ જાણીતી તેમજ મોટી મોટી કંપનીઓ પોતાની કંપનીમાંથી પોતાના કર્મચારીને કાઢી રહી છે. જાન્યુઆરીમાં પણ મોટા પાયે મોટી મોટી કંપનીઓમાં છટણી શરૂ થઈ છે. શુક્રવારના રોજ ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મમાં મોખરાનું નામ ધરાવતી ખાનગી કંપની સ્વિગીએ (Swiggy) મોટો નિર્ણય જાહેર કર્યો હતો. સ્વિગ કંપનીએ 380 કર્મચારીઓને નોકરીમાંથી (Swiggy Layoff 380 Employees) કાઢવાનો નિર્ણય લીધો હતો. આવકમાં ગાબડું પડવા સાથે નફાનું મોટા પાયે ધોવાણ થવાના લીધે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મોડી સાંજના રોજ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ તેના 12,000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. માહિતી અનુસાર કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓ સાથે શેર કરેલા મેમોમાં આ માહિતી આપી છે. વિશ્વની સૌથી મોટી ટેક કંપનીમાં છટણીના આ સમાચારથી બજાર ચોંકી ગયું છે. બે દિવસ પહેલા આલ્ફાબેટની હરીફ માઈક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓને હટાવવાની વાત કરી હતી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કંપનીના HR વિભાગ, કોર્પોરેટ અફેર્સ, એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ વિભાગની ટીમોને આ છટણીમાં અસર થશે. ગૂગલે કહ્યું છે કે છટણી વૈશ્વિક સ્તરે કરવામાં આવી રહી છે. આ નિર્ણયથી અમેરિકન કામદારોને તાત્કાલિક અસર થશે. આલ્ફાબેટમાં છટણીના આ સમાચાર આર્થિક અનિશ્ચિતતાના સમયે સામે આવ્યા છે જ્યારે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી સોફ્ટવેર કંપનીઓ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ નોંધમાં જણાવ્યું હતું કે, “મને અમારા મિશનની મજબૂતાઈ, અમારા ઉત્પાદનો અને સેવાઓના મૂલ્ય અને એઆઈ સ્પેસમાં અમારા પ્રારંભિક રોકાણોને કારણે અમારી આગળ રહેલી વિશાળ તકો વિશે ખાતરી છે.” વઘારામાં પિચાઈએ કહ્યું, “મારી પાસે તમારા માટે ખરાબ સમાચાર છે. અમે અમારા કર્મચારીઓની સંખ્યામાં અંદાજે 12,000નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. યુએસમાં જે લોકો આ નિર્ણયથી પ્રભાવિત થયા છે તેમને એક અલગ મેલ મોકલવામાં આવ્યો છે. “અન્ય દેશોમાં આ પ્રક્રિયા વિવિધ દેશોના કાયદા અને જોગવાઈઓ અનુસાર ચાલુ રહેશે.”
આ કારણોસર સ્વીગીએ કર્મચારીઓની છટણી કરી
સ્વિગીના CEOએ જણાવ્યું હતું કે, “હવે ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ પર ધંધો કરવો સરળ રહ્યો નથી. ખૂબ જ અઘરું કાર્ય છે. ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં વૃદ્ધિ દર નીચો આવ્યો છે., પરિણામે નફો ઓછો અને કમાણી ઓછી થઈ છે, જે કંપનીના અંદાજોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. આથી છટણીનો મુશ્કેલ નિર્ણય લીધો છે.” સ્વિગીએ લોકોને છૂટા કરવાના નિર્ણય માટે વધુ પડતાં કર્મચારીઓની કરાયેલી ભરતીને પણ દોષિત ઠેરવ્યું હતું. કંપની હવે નફો વધારવા તરફ ધ્યાન આપવા માંગે છે, તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ બાબતો પર ફોક્સ કરાઈ રહ્યું છે.