National

બિહારમાં નવી સરકારની શપથગ્રહણ તારીખ નક્કી, PM મોદીની હાજરીમાં થશે સમારોહ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએની જોરદાર જીત બાદ નવી સરકાર રચનાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ તા. 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ ગઠબંધને ઐતિહાસિક વિજય મેળવીને કુલ 243 બેઠકોમાંથી 202 બેઠકો પર જીત મેળવી છે. આ જીત બાદ હવે નવી સરકારે શપથ લેવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. આવનાર તા. 20 નવેમ્બરે પટણાના પ્રસિદ્ધ ગાંધી મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજરી આપશે. જેના કારણે આ સમારોહને વિશેષ મહત્તા મળી રહી છે.

એનડીએની જીતમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય સહયોગીઓને 9 બેઠકો મળી છે. આ મજબૂત જીત બાદ રાજ્યમાં નવી સરકાર રચવાના રાજકીય તબક્કાઓ શરૂ થઈ ગયા છે.

તેની શરૂઆત આજે સવારે 11:30 વાગ્યે બોલાવવામાં આવેલી નીતિશ કુમારની અંતિમ કેબિનેટ બેઠકથી થશે. આ બેઠકમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ મંજૂર થવાની શક્યતા છે. બેઠક પૂરી થયા બાદ નીતિશ કુમાર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પાસે જઈને પોતાનું રાજીનામું સુપરત કરશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ તા. 22 નવેમ્બરે પૂરું થઈ રહ્યો હોવાથી તમામ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં આવી રહી છે.

નીતીશ કુમારના રાજીનામા બાદ જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક મળશે. અહેવાલો મુજબ આ બેઠકમાં નીતિશ કુમારને ફરી પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. ત્યાર બાદ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજાશે અને પછી એનડીએ ગઠબંધનની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. અહીં ગઠબંધનના નેતા તરીકે નીતિશ કુમારના નામ પર અંતિમ મુહર લગવાની શક્યતા છે.

બિહારની રાજનીતિમાં સર્જાતા આ ઝડપી ફેરફારોને કારણે રાજ્યની રાજકીય હલચલ વધી ગઈ છે અને તમામની નજર હવે તા. 20 નવેમ્બરના મહાસમારોહ પર ટકેલી છે.

Most Popular

To Top