શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ગાયને “રાષ્ટ્રમાતા”નો દરજ્જો આપવાની તથા ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ સાથે યાત્રા પર નીકળ્યા છે. તેમની આ યાત્રા 11 માર્ચે લખનઊ પહોંચવાની છે, જ્યાં આશિયાના વિસ્તારમાં આવેલા કાંશીરામ સ્મૃતિ ઉપવન ખાતે વિશાળ સભા યોજાવાની છે. જોકે, આ કાર્યક્રમ માટે લખનઊ વહીવટીતંત્રે મંજૂરી આપી છે, પરંતુ સાથે 26 કડક શરતો પણ લાદી છે. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણો, ધાર્મિક કે જાતિ આધારિત ટિપ્પણીઓ અને વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ખાસ કરીને સગીર બાળકોને આવા સૂત્રોચ્ચાર કરવા દેવામાં નહીં આવે. ઉપરાંત ફટાકડા ફોડવા, શસ્ત્રો લાવવાના અથવા ઉજવણી માટે હવામાં ફાયરિંગ કરવાની પણ મનાઈ રાખવામાં આવી છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વારાણસીથી આ યાત્રાની શરૂઆત કરી છે અને આવતીકાલે તેઓ લખનઊ પહોંચશે. 11 માર્ચે કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં યોજાનારી સભામાં તેઓ ગાયને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવાની તથા ગૌહત્યા સામે કાયદો ઘડવાની માંગ અંગે પોતાના વિચારો રજૂ કરશે. કાર્યક્રમ માટે લખનૌ વિકાસ પ્રાધિકરણ (LDA), સ્મારક સમિતિ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે 26 શરતો નક્કી કરી છે. તેમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની, અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ન રાખવાની, રાત્રે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરવાની અને સાયલન્ટ ઝોનમાં ઢોલ-નગારાં કે સંગીત પર પ્રતિબંધ જેવી શરતો સામેલ છે. આ ઉપરાંત આયોજકોને પૂરતી ખાનગી સુરક્ષા વ્યવસ્થા કરવાની રહેશે અને કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પણ આયોજકોની રહેશે. પોલીસ તૈનાત કરવાની ખર્ચ પણ આયોજકોને જ ચૂકવવો પડશે. વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો આમાંથી કોઈપણ શરતનું ઉલ્લંઘન થશે તો કાર્યક્રમની મંજૂરી તરત જ રદ કરી દેવામાં આવશે. આથી કાર્યક્રમ દરમિયાન તમામ નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.
- પોલીસ સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે.
- અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદા (મહત્તમ 75 ડેસિબલ) કરતાં વધુ નહીં હોય.
- ફટાકડા, શસ્ત્રો અને ઉજવણી માટે ફાયરિંગ પર સખત પ્રતિબંધ છે.
- મંડપની ઊંચાઈ ઓછામાં ઓછી 3 મીટર રહેશે.
- પૂરતા પ્રમાણમાં ખાનગી સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે, અને કોઈ અવ્યવસ્થા નહીં થાય.
- કોઈ સાંપ્રદાયિક/જાતિ આધારિત ટિપ્પણીઓ કે ઉશ્કેરણીજનક નિવેદનો નહીં થાય.
- રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ધ્વનિ પ્રસારણ પર પ્રતિબંધ રહેશે.
- સ્થળનું ભાડું અને અન્ય ફી આયોજકો પોતે ભોગવશે.
- કોવિડ-19 માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.
- કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- કોઈપણ શરતનું ઉલ્લંઘન કરવાથી પરમિટ આપમેળે રદ થઈ જશે.