Gujarat

22 વર્ષથી નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ બન્યું SWAGAT, 99%થી વધુ ફરિયાદોનો નિકાલ થયો

ગુજરાતના નાગરિકોનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરતું SWAGAT (State Wide Attention on Grievances by Application of Technology) પ્લેટફોર્મ આજે તેના 22 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે. વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું SWAGAT, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ ટેક્નોલોજી આધારિત અને અસરકારક સ્વરૂપે કાર્યરત છે.છેલ્લા 22 વર્ષમાં SWAGAT પર પ્રાપ્ત થયેલી 99.10%થી વધુ અરજીઓનો સફળ અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે, જે રાજ્યના સશક્ત સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે.

SWAGAT 2.0: ઓટો એસ્કેલેશન મેટ્રિક્સથી સમયસર ન્યાય

નાગરિકોની ફરિયાદો નિર્ધારિત સમયમર્યાદામાં અટક્યા વગર ઉકેલાય તે માટે 25 ડિસેમ્બર, 2024ના રોજ SWAGAT 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ સમગ્ર રાજ્યમાં અમલી બનાવવામાં આવી હતી. સાથે સાથે SWAGAT મોબાઇલ એપ્લિકેશનનો પણ પ્રારંભ થયો. આ પદ્ધતિ અંતર્ગત જો કોઈ અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં ફરિયાદનો નિકાલ ન થાય, તો તે અરજી ઓટોમેટિક રીતે ઉપરી અધિકારી સુધી એસ્કેલેટ થાય છે. પરિણામે ફરિયાદ કોઈ પણ સ્તરે અટકતી નથી અને જવાબદારી નિશ્ચિત થાય છે. આ વ્યવસ્થા અગાઉ 25 ડિસેમ્બર, 2023ના ‘સુશાસન દિવસ’ નિમિત્તે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પાટણ અને ખેડા જિલ્લામાં અમલી બનાવવામાં આવી હતી, જેમાં 21,540 અરજીઓમાંથી 90% અરજીઓનો સમયસર અને ગુણાત્મક નિકાલ થયો, જે બાદ સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરાયો.SWAGAT 2.0 હેઠળ અરજદારોને અરજી નોંધણીથી લઈને અંતિમ નિકાલ સુધી દરેક તબક્કે SMS દ્વારા માહિતી આપવામાં આવે છે. જો અરજદાર કાર્યવાહીથી અસંતોષિત હોય, તો તેઓ ફીડબેક આપી અરજીને ફરી એક લેવલ ઉપર એસ્કેલેટ પણ કરી શકે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ તમામ અરજીઓનું સઘન મોનિટરિંગ થાય છે.ફરિયાદોના સમયસર નિરાકરણ માટે મોનિટરિંગ ડેશબોર્ડ અને અધિકારીઓના કાર્યક્ષમતા મૂલ્યાંકન માટે પર્ફોર્મન્સ ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ ડેટાના આધારે જિલ્લામાં આવતી ફરિયાદોના સ્વરૂપ મુજબ નીતિગત ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
ખેડૂત, જમીન સંપાદન, વિદ્યાર્થી, ગૌચર જમીન, રી-સર્વે અને પોલીસ સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો SWAGAT મારફતે લેવાયા છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદર ગામના 118 ખેડૂતો છેલ્લા 40 વર્ષથી બ્રિજ ન હોવાના કારણે 15 કિ.મી.નો ફેરો ફરવા મજબૂર હતા. આ મામલો SWAGAT સુધી પહોંચતા મુખ્યમંત્રીના હસ્તક્ષેપથી ₹9 કરોડના ખર્ચે માઈનોર બ્રિજ, કલવર્ટ અને 3 કિ.મી. રોડનું કામ મંજૂર થયું, જેથી 3600 વીઘા જમીન પર ખેતી કરતા ખેડૂતોને સીધો લાભ મળશે.છેલ્લા બે વર્ષમાં ભારત સરકારના સચિવશ્રીઓ તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ત્રિપુરા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોના CM Officeના પ્રતિનિધિમંડળોએ SWAGAT યુનિટની મુલાકાત લીધી છે. ઘણા રાજ્યો SWAGAT મોડેલને પોતાના રાજ્યમાં અમલમાં મૂકવા તૈયારી કરી રહ્યા છે.

Most Popular

To Top