હાલમાં સમગ્ર દુનિયામાં એક જ શબ્દ ચર્ચાઇ રહ્યો છે અને તે છે કોરોના. કોરોનાના જુદા જુદા વેરિયન્ટ અને વેક્સિનેશન. છેલ્લા બે વર્ષથી આ શબ્દ સૌથી વધુ બોલાઇ છે. લખાઇ છે અને વંચાઇ છે. સમગ્ર દુનિયા તેને સૌથી મોટો ખતરો માની રહી છે પરંતુ તેના કરતાં પણ મોટો ખતરો પ્રદૂષણ છે અને તેનો વ્યાપ ધીમી પણ મક્કમ ગતિએ વધી રહ્યો છે. આ દુનિયાની સૌથી મોટી સમસ્યા છે. તેને અટકાવવા માટેના પ્રયત્નો નહીંવત છે તેની સામે પ્રદૂષણ ફેલાવવામાં મનુષ્ય એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.
આ વાત એટલા માટે કરવી જરૂરી છે કારણ કે, ઇટાલીમાં જી-20 સમિટ યોજાવા જઇરી છે અને તેમાં જળવાયુ પ્રદૂષણ પર ચર્ચા થવા જઇ રહી છે. આ સમિટમાં ભાગ લેવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલી પહોંચી ગયા છે. આ બેઠકમાં તેઓ જી-20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને ક્લાયમેન્ટ ચેન્જ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ 30-31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે અને ત્યાં થનારી જી-20 સમિટમાં ભાગ લેશે. ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રૈગીના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી ઇટાલી પહોચ્યા છે. આ દરમિયાન બંન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે અને પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરશે.
બેઠક દરમિયાન આતંકવાદ રોકવા અને પરસ્પર વેપાર વધારવાની સંભાવના પર ચર્ચા થશે. પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર રવાના થતા અગાઉ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રોમમાં આયોજીત જી-20 સમિટમાં ભાગ લેવા જઇ રહ્યો છું. જી-20 નેતાઓ સાથે કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તનથી થતા નુકસાન પર ચર્ચા થઇ શકે છે. દરમિયાન વડાપ્રધાન મોદી રોમ અને વેટિકન સિટીનો પણ પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી બોરિસના આમંત્રણ પર તેઓ 1 થી 2 નવેમ્બર સુધી ગ્લાસગોમાં રહેશે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જી-20 સમિટ આ વર્ષે ઇકોનોમિક અને હેલ્થ રિકવરી પર કેન્દ્રિત રહેશે.
ક્લાયમેન્ટ ચેન્જ પર પણ જી-20 સંમેલનમાં ચર્ચા થશે. ભારતે પણ જી-20 મંચનો પ્રભાવી વૈશ્વિક સંવાદ માટે સારો ઉપયોગ કર્યો હતો. જી-20 દેશોની મહાબેઠક માટે ઇટલીમાં જે થીમ બનાવી છે, તેમાં જળવાયું પરિવર્તન,કોરોના અને આર્થિક રફતાર મુખ્ય મુદ્દો છે.ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન જેવા ખતરાએ પુરી દુનિયામાં એક મોટુ જોખમ ઉભુ કરી દીધું છે. જેમાં એક સૌથી મોટો ખતરો સમુદ્રના જળસ્તરમાં વધારો છે. જેને પગલે સમુદ્રના કિનારે આવેલા વિસ્તારોમાં મોટુ સંકટ ઉભુ થઇ ગયું છે અને સ્થળાંતરની સ્થિતિ ઉભી થઇ શકે છે. ભારત પણ આ સમુદ્રના વધી રહેલા જળસ્તરના ખતરાથી બચી શકે તેમ નથી. કેમ કે દેશમાં અનેક રાજ્યો સમુદ્રી કિનારે આવેલા છે. તાજેતરના એક અભ્યાસમાં આ ચેતવણી અપાઇ છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના પશ્ચિમી કિનારાની રેખા પાસે સ્થિત લક્ષદ્વીપમાં સમુદ્રી સ્તરમાં વર્ષે ૦.૪ એમએમ પ્રતિ વર્ષથી લઇને ૦.૯ એમએમ પ્રતિ વર્ષના માપમાં વધારો થઇ શકે છે. સ્થિતિ એ છે કે સમુદ્રના જળસ્તરમાં વધારાથી આ પુરો ટાપુ અને ત્યાં રહેતા લોકો જોખમભરી સ્થિતિમાં મુકાયા છે. ખાસ લક્ષદ્વીપને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું આ પહેલુ સંશોધન છે. જેમાં ક્લાઇમેટ મોડલ અનુમાનના આધાર પર ભવિષ્યની ભીતિનું એક ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આઇઆઇટી ખડગપુરના વાસ્તુશિલ્પ તેમજ ક્ષેત્રીય નિયોજન અને મહાસાગર આભિયાંત્રિકી તેમજ નૌવહન વાસ્તુશિલ્પની સંયુક્ત ટીમે આ અધ્યયન હાથ ધર્યું હતું.
આ અધ્યયન માટે ભારત સરકારના વિજ્ઞાાન તેમજ જળવાયુ પરિવર્તન કાર્યક્રમ (સીસીપી)એ પણ સહયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૩૬ ટાપુઓના સમુહ લક્ષદ્વીપ એક પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. એવામાં આ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે તેના પર ખતરો વધી ગયો છે. હવે આ ખતરાને પહોંચી વળવા માટે ગ્લોબલ વોર્મિંગ પર અસરકારક કામગીરી થવી જોઇએ અને તે માત્ર સરકારી સ્તરે નહીં પરંતુ દરેક સ્તરે થવી જોઇએ તો જ આ ખતરા સામે અસરકારક રીતે લડી શકાય તેમ છે. જે રીતે ઔદ્યોગિકરણ વધી રહ્યું છે. રહેણાંક વિસ્તાર વધી રહ્યાં છે અને તેટલા જ મોટા પાયે જંગલોનો પણ સફાયો થઇ રહ્યો છે. એટલે આ દિશામાં દુનિયાના તમામ દેશોએ એક સાથે કાર્યક્રમો આપવા પડશે તો જ આ સમસ્યા પર થોડે ઘણે અંશે કાબૂ મેળવી શકાય તેમ છે.