ભરૂચ(Bharuch): વાલિયા(Valiya) તાલુકાના મેરા ગામના ખેતર(Farm)માંથી શંકાસ્પદ દીપડી(Leopardess)નું મોત(Death) થતાં તેના પર સાડા ચાર વર્ષથી નજર રાખતાં લેપર્ડ એમ્બેસેડર ટીમ (Leopard Ambassador Team)ના સભ્યએ મોતને ભેટેલી દીપડીને ઝેર(Poison) અપાયું હોવાનો સ્ફોટક આક્ષેપ કરવામાં આવતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. જો કે, વાલિયા વનવિભાગ(Forest Department) તો દીપડીનું મોત ડી-હાઈડ્રેશનના કારણે મોત થયું હોવાનું તારણ કાઢ્યું છે.
- વાલિયાના પાણીદાર વિસ્તારમાં દીપડીનું શંકાસ્પદ મોત
- લેપર્ડ એમ્બેસેડર સભ્યનો આક્ષેપ: કદાચ ઝેર અપાયું હોઈ શકે
- દીપડીનું મોત થયું એ જગ્યાએ બારમાસ કીમ નદી અને ઉકાઈ કેનાલ જતી હોવાથી ડી-હાઈડ્રેશનથી મોત શંકાસ્પદ
વાલિયા તાલુકામાં શેરડી અને મકાઇનાં ખેતરો પાણી અને ખાધા-ખોરાકને કારણે દીપડા માટે આશ્રયસ્થાન બન્યાં છે. વાલિયા તાલુકામાં દીપડા પર લેપર્ડ એમ્બેસેડર ટીમ દ્વારા ઊંડો અભ્યાસ કરાયો હતો. ગત વર્ષ-૨૦૧૮માં નેત્રંગ વનવિભાગે વાલિયાના ડણસોલી ગામે એક દીપડી પાંજરે તો પુરાઈ પણ લોખંડના પાંજરે દીપડીની પૂછડી તૂટી ગઈ હતી. દીપડીનાં બચ્ચાં હોવાથી આખરે વનવિભાગે શિડ્યુલ વનનું પ્રાણી હોવાથી તકેદારી રાખી એ જ ખેતરમાં છોડવાનો નિર્ણય કર્યો હતો. વાલિયામાં તાલુકામાં કેમેરાથી ટ્રેપિંગ કરતી લેપર્ડ એમ્બેસેડર ટીમે આ દીપડી પર રિસર્ચ કરવાનો નિર્ણય કર્યો હતો.
FSLની ચકાસણી ન થતાં તંત્ર સામે શંકા
આ દીપડીનું નામ ‘બ્રોકન તેલ’ રખાયું હતું. જે ડણસોલી, ગાંધુ, કરા, મેરા, ઘોડા અને પાડોશી માંગરોળના ગીજરમ, આમલડેરા ગામ મળી ૨૨ કિ.મી. કાર્યક્ષેત્રમાં ફરતી હતી. આ દીપડી અત્યાર સુધી ૩ વાર પ્રેગ્નેન્ટ થતાં ૮ બચ્ચાંને જન્મ આપ્યો હતો. લેપર્ડ એમ્બેસેડર ટીમના સભ્ય કૌશલ મોદી, ચેતન જોષી સહિતની ટીમે આ દીપડીના માનવ વસાહત, ખેતરો તેમજ ઘણીવાર ખોરાક માટે બકરી, વાછરડાનું મારણ કર્યાનું ૧૨૦ વખત ડોક્યુમેન્ટ કર્યુ હતું. છતાં સદનસીબે હજુ સુધી એકપણ વાર દીપડીએ માણસ પર હુમલો કર્યો નથી. હાલ તા.૨૮ એપ્રિલે મેરા ગામે આ દીપડીનું રહસ્યમયી મોત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, મેરા ગામમાં બારમાસી કીમ નદી અને બાજુમાં ઉકાઈની કેનાલ હોવાથી ડી-હાઈડ્રેશનનો મુદ્દો ગળે બેસતો નથી. તેમજ દીપડીનું શંકાસ્પદ મોત જોતાં FSLની ચકાસણી ન થતાં તંત્ર સામે શંકા ઉપજે છે.
વૈજ્ઞાનિક ઢબે પૃથ્થકરણ થાય તો સચોટ નિવેડો આવે: કૌશલ મોદી
આ અંગે લેપર્ડ એમ્બેસેડરની રિસર્ચ ટીમના કૌશલ મોદીએ જણાવ્યું હતું કે, દીપડીનું મોત શંકાસ્પદ રીતે થયાનું અનુમાન છે. કદાચ ઝેર અપાયું હોય એવો અંદેશો છે. વૈજ્ઞાનિક ઢબે પૃથ્થકરણ થાય તો સચોટ નિવેડો આવે. જો કે, આ દીપડીએ ક્યારેય માનવી પર હુમલો કર્યો નથી.
હાઈડ્રેશનના કારણે મોત થયું હોય એવું લાગે છે: મહિપાલસિંહ ગોહિલ
વાલિયાના RFO મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દીપડીના મોતની જાણ થતાં વનવિભાગ મેરા ગામે પહોંચી ગયો હતો. વન વિભાગે PM કરાવી અગ્નિસંસ્કાર કર્યાં હતાં. હાલમાં ગરમીના પ્રમાણમાં ડી-હાઈડ્રેશનના કારણે મોત થયું હોય એવું અનુમાન છે. FSL રિપોર્ટ માટે પુછાતાં તેમણે જણાવ્યું હતું કે, FSL રિપોર્ટ અંગેનો નિર્ણય તબીબ લે છે.