પહેલગામમાં આતંકી હુમલો કરીને ભારતના 27 પ્રવાસીઓની હત્યા કરવાને કારણે ભારતે તાકીદના ધોરણે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. આ સિંધુ જળ સંધિ ભારત કરતાં વધુ પાકિસ્તાનના લાભમાં હતી. 19મી સપ્ટેમ્બર, 1960ના રોજ આ સંધિ કરવામાં આવી હતી. ભારતની નીચેના પ્રદેશમાં પાકિસ્તાન દેશ આવ્યો છે. આ સંધિ પ્રમાણે આ નદીઓમાંથી 70 ટકા પાણી પાકિસ્તાનને આપવામાં આવે છે.
જ્યારે 30 ટકા પાણી ભારતને મળે છે. આ સંધિ પ્રમાણે ભારતે પાણી છોડવાનું રહે છે અને પાકિસ્તાનમાં આ પાણી માટે વિવિધ નદીઓ અને નહેરોનું એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત તો કરી દીધી પરંતુ જો પાકિસ્તાનને ખરેખર સબક શીખવવો હોય તો માત્ર સંધિ સ્થગિત કરવાથી નહીં ચાલે. ભારતે તબક્કાવાર વિવિધ પગલાઓ લેવા પડશે અને તોજ પાકિસ્તાનને અપાતું પાણી બંધ કરી શકાશે. સિંધુ નદી પ્રણાલીમાં ત્રણ પશ્ચિમી નદીઓ – સિંધુ, ઝેલમ અને ચિનાબ – અને ત્રણ પૂર્વીય નદીઓ – સતલજ, બિયાસ અને રાવીનો સમાવેશ થાય છે.
સંધિની જોગવાઈઓ પ્રમાણે અનુચ્છેદ I મુજબ, સિંધુ નદી પ્રણાલીનો કોઈપણ નદી/ઉપનદી અને તેનો કેચમેન્ટ વિસ્તાર જે અન્ય પાંચ નદીઓનો ભાગ નથી, તે સિંધુ નદીનો ભાગ છે જેમાં તેની ખાડીઓ, ડેલ્ટા ચેનલો, જોડતા તળાવો વગેરેનો સમાવેશ થાય છે. આ સંધિ અનુસાર, પૂર્વીય નદીઓને પાકિસ્તાનમાં કલમ II (1) મુજબ સ્પષ્ટ રીતે મંજૂર પાણીના ઉપયોગ પછી ભારત દ્વારા વિશિષ્ટ પાણીના ઉપયોગ માટે ફાળવવામાં આવે છે.
તેવી જ રીતે, ભારતમાં મંજૂર પાણીના ઉપયોગ પછી પાકિસ્તાનને પશ્ચિમી નદીઓનો વિશિષ્ટ પાણીનો ઉપયોગ છે. આ સંધિમાં 10 વર્ષનો સંક્રમણ સમયગાળો માન્ય રાખવામાં આવ્યો હતો જેમાં ભારત પાકિસ્તાનની પૂર્વીય નદીઓમાંથી પાકિસ્તાનની નહેરોને પાણી પૂરું પાડવા માટે બંધાયેલું હતું. જ્યાં સુધી પાકિસ્તાન પશ્ચિમી નદીઓના પાણીનો ઉપયોગ કરવા માટે નહેર વ્યવસ્થા બનાવી ન શકે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાનને આવો પાણી પુરવઠો અટકાવવામાં આવ્યો ન હતો. સંધિની કલમ ૫.૧ મુજબ, ભારત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પશ્ચિમી નદીઓમાંથી સિંચાઈ માટે નવા હેડ-વર્ક્સ અને નહેર વ્યવસ્થાના નિર્માણના ખર્ચમાં બાવન મિલિયન સાંઈઠ હજાર યુકે પાઉન્ડનું નિશ્ચિત યોગદાન આપવા સંમત થયું હતું.
૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ છતાં ભારતે કુલ રકમ દસ સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવી હતી. બંને દેશો સંધિમાં ડેટાનું આદાનપ્રદાન કરવા અને સિંધુ નદી પ્રણાલીમાંથી પાણીના શ્રેષ્ઠ ઉપયોગમાં સહયોગ કરવા સંમત થયા હતા. આ હેતુ માટે કાયમી સિંધુ કમિશન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દરેક દેશ દ્વારા નિયુક્ત એક કમિશનર હોય છે. તે સંધિના અમલીકરણ, અર્થઘટન અથવા ભંગ અંગે ઉદ્ભવતા કોઈપણ ભવિષ્યના મતભેદો અને વિવાદોનો નિર્ણય લે છે. આ કમિશન ત્રણ યુદ્ધોમાંથી પસાર થયું છે. સંધિની કલમ VIII (8) મુજબ, બંને કમિશનરો એકસાથે બંને દેશોને તેના કાર્યો પર વાર્ષિક અહેવાલ સુપરત કરશે. પરંતુ આ વાર્ષિક અહેવાલો પાકિસ્તાન દ્વારા પણ ક્યારેય જાહેર કરવામાં આવતા નથી. સંધિ મુજબ કોઈપણ પક્ષે બીજા પક્ષને કોઈપણ એન્જિનિયરિંગ કાર્યો બનાવવાની યોજનાઓની જાણ કરવાની રહે છે.
હાલમાં પણ આ સંધિ હેઠળનો તુલબુલ પ્રોજેક્ટ દાયકાઓથી મંજૂરી માટે બાકી છે. સંધિમાં વિવાદ અથવા મતભેદના કિસ્સાઓમાં, મધ્યસ્થી માટે અનુક્રમે કોર્ટ ઓફ આર્બિટ્રેશન અથવા તટસ્થ ટેકનિકલ નિષ્ણાતને બોલાવવામાં આવે છે. બગલીહાર પાવર પ્લાન્ટને મંજૂરી આપવા માટે ટેકનિકલ નિષ્ણાતના ચુકાદાનું પાલન કરવામાં આવ્યું હતું અને કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટને મંજૂરી આપવા માટે આર્બિટ્રેશનના ચુકાદાનું પાલન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન 850 મેગાવોટના રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ અંગેની સંધિનું ઉલ્લંઘન કરવાનો દાવો કરી રહ્યું છે અને આર્બિટ્રેશનની સ્થાપના માટે કહ્યું છે જ્યારે ભારતે તટસ્થ નિષ્ણાતની નિમણૂક માટે કહ્યું છે. ભારતે હજુ સુધી પાકિસ્તાન દ્વારા સંધિની કલમ II ના ઉલ્લંઘનનો કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી, જોકે, ભારતે સંધિ સ્થગિત કર્યા બાદ પણ પાકિસ્તાનને મળતું પાણી રોકવા માટે મોટી મજલ કાપવી પડશે. કારણ કે ભારત પાસે એવું મોટું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી કે જેનાથી સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી અટકાવી શકાય.
આપણે વર્લ્ડ બેંકને પણ સમજાવવી પડશે. કારણ કે વર્લ્ડ બેંકએ આ સંધિના અમલની ખાતરી આપી છે. હકીકત એ છે કે લગભગ 133 મિલિયન એકર પાણી ભારતને દર વર્ષે પશ્ચિમી નદીઓમાંથી મળે છે. હાલમાં ભારત કોઈપણ રીતે આ પાણીને રોકવાની સ્થિતિમાં નથી. ભારતે આ પાણી રોકવા માટે સક્રિય થવું પડશે. આ માટે નહેરોનું નેટવર્ક બનાવવું પડશે. નવા નવા ડેમ બનાવવા પડશે. જોકે એક વાત ચોક્કસ છે કે જો ભારત આ પાણી રોકવામાં સફળ થશે તો પાકિસ્તાનની હાલત ખરાબ થઈ જશે. કારણ કે પાકિસ્તાનની 90 ટકા ખેત ઉત્પાદન સિંધુ સંધિ સાથે જોડાયેલી છે.